રાજકોટ: મારવાડી યુનિવર્સિટીમાં આંધ્રના વિદ્યાર્થીનો આપઘાત, 6ઠ્ઠા માળથી છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું

મૂળ આંધ્રપ્રદેશનો મૃતક વિદ્યાર્થી કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 25 Sep 2026 11:57 AM (IST)Updated: Fri, 25 Sep 2026 11:57 AM (IST)
rajkot-marwadi-university-student-suicide-hemant-gandham-from-andhra-pradesh
રાજકોટ મારવાડી યુનિવર્સિટી

Rajkot Marwadi University Student Suicide: રાજકોટમાં સ્થિતિ મારવાડી યુનિવર્સિટીમાંથી વધુ એક કરૂણ ઘટના સામે આવી છે. મૂળ આંધ્રપ્રદેશના અને કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી હેમંત ગંધમે યુનિવર્સિટી બિલ્ડીંગના છઠ્ઠા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. બરાબર સાત દિવસ પહેલાં જ મારવાડી યુનિવર્સિટીમાં અન્ય એક વિદ્યાર્થિનીએ પણ આપઘાત કર્યો હતો.

મૂળ આંધ્રપ્રદેશનો વિદ્યાર્થી હેમંત ગંધમે

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં આજે 25 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ સવારે મૂળ આંધ્રપ્રદેશના વિદ્યાર્થી હેમંત ગંધમે યુનિવર્સિટીના બિલ્ડિંગના છઠ્ઠા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરનાર વિદ્યાર્થી કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષના પાંચમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો.

આ ઘટના અંગે મારવાડી યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ રજીસ્ટ્રાર નરેશ જાડેજાએ આપેલા નિવેદન મુજબ હેમંત ભણવામાં રેગ્યુલર હતો અને તેને એક પણ પ્રકારની બેકલોગ ન હતી. એજ્યુકેશન સંબંધિત કોઈપણ પ્રકારનો પ્રશ્ન કે સમસ્યા ન હોવાનું સામે આવ્યું છે.

યુનિવર્સિટીના CCTV તપાસતા માલૂમ પડ્યું કે, વિદ્યાર્થી સવારે કોલેજ બેગ લીધા વિના જ યુનિવર્સિટીમાં પ્રવેશ્યો હતો. તે સીધો જ છઠ્ઠા માળે પહોંચ્યો હતો અને ત્યાંથી નીચે છલાંગ લગાવી દીધી હતી. વિદ્યાર્થીના પરિવારજનો તેમજ તેના મિત્રો સાથે વાતચીત કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવશે.

અગાઉ એક છાત્રાએ કર્યો હતો આપઘાત

મારવાડી યુનિવર્સિટીમાં આપઘાતની આ ઘટના પ્રથમ નથી. માત્ર સાત દિવસ પહેલાં એટલે કે 19 સપ્ટેમ્બરે પણ આવી જ એક ઘટના બની હતી. મારવાડી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના 'એ' વિંગના 10મા માળેથી ઝંપલાવીને એક વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરનાર વિદ્યાર્થિની મૂળ આંધ્રપ્રદેશની 19 વર્ષીય અલ્લા વ્યંકટેશ સૌબર્નિકા હતી, જે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) બેઝ અભ્યાસ કરતી હતી.