રાજકોટ: દિવાળી કાર્નિવલની ₹90 લાખની બચત જનતાને અર્પણ, સફાઈકર્મીઓને અપાશે બોનસ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓને 20 લાખની સહાય આપવામાં આવશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 16 Nov 2026 09:58 PM (IST)Updated: Mon, 16 Nov 2026 09:58 PM (IST)
rajkot-municipal-corporation-diwali-carnival-90-lakh-savings-used-for-rmc-sanitation-worker-bonus

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી કાર્નિવલ દરમિયાન કરકસરયુક્ત વહીવટ થકી આશરે રૂ. 90 લાખ જેટલી માતબર રકમની બચત કરવામાં આવી હતી. હવે આ રકમનો ઉપયોગ રાજકોટની જનતા અને કોર્પોરેશનના પાયાના કર્મચારીઓને પાછા સમર્પિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની સત્તાવાર જાહેરાત મેયર ડૉ. નેહલ શુક્લ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા દ્વારા કરવામાં આવી છે.

દિવાળી કાર્નિવલમાં અંદાજે 90 લાખની સીધી બચત

પત્રકાર પરિષદને સંબોધતા મેયર નેહલશુક્લએ જણાવ્યું કે, ગત વર્ષોમાં દિવાળી કાર્નિવલ પાછળ સરેરાશ 1 કરોડ 90 લાખ રૂપિયા જેટલો માતબર ખર્ચ થતો હતો. પરંતુ આ વર્ષે સચોટ આયોજન, સ્માર્ટ મેનેજમેન્ટ અને બિનજરૂરીખર્ચ પર કાપ મૂકીને અંદાજે 90 લાખ રૂપિયાની સીધી બચત કરવામાં સફળતા મળી છે.

રાજકોટ પાલિકાના સફાઈકર્મીઓની અથાગ મહેનત

દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં ફટાકડા અને ઉત્સવને કારણે મોટા પ્રમાણમાં કચરો અને ગંદકી ફેલાતી હોય છે. રાજકોટની જનતાએ ધામધૂમથી દિવાળી ઉજવી, પરંતુ રાજકોટ મનપાના કર્મઠ સફાઈ કામદારોનીટીમની મહેનતદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એ જોવા મળ્યું કે દિવાળી પછીના દિવસે સવારે 10 વાગ્યાની આસપાસ જ આખું શહેર સંપૂર્ણપણે ચોખ્ખું અને સ્વચ્છ કરી દેવામાં આવ્યું હતું.

પ્રતિ વ્યક્તિ દીઠ 1,000 લેખે પ્રોત્સાહન રકમ અર્પણ

સફાઈ કર્મચારીઓની આ નિષ્ઠા અને રાત-દિવસની મહેનતને બિરદાવવા માટે માત્ર શબ્દોથી અભિનંદન આપવાને બદલે રાજકોટ મહાનગરપાલિકાએ પ્રથમવાર એક પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. આશરે 8,200 જેટલા સફાઈ તથા અન્ય જરૂરીકર્મચારીઓને પ્રતિ વ્યક્તિ 1,000 લેખે પ્રોત્સાહન રકમ સીધી જ અર્પણ કરવામાં આવશે. હેતુ માટે આશરે 82 લાખ રૂપિયાની ફાળવણી સીધી કર્મચારીઓના ઉત્સાહવર્ધન માટે કરવામાં આવી છે.

સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓને પણ ફાળો મળશે

આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે, છતાં સરકારના આગોતરા આયોજનના લીધે પીવાના પાણીની કોઈ મોટી સમસ્યા ઉદ્ભવતી નથી. તેમ છતાં, મૂંગા પશુઓ માટે ઢોરચારા કે અન્ય નાની-મોટી વ્યવસ્થામાં કોઈ તકલીફ ન પડે તે માટે સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવીને કામ કરી રહી છે. આવી લોકહિતની સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા માટે કુલ 20 લાખ રૂપિયા સહયોગાર્થે ફાળવવામાં આવશે.

જો ભવિષ્યમાં સરકારની અન્ય યોજના કે જરૂરિયાત ઊભી થશે તો આ રકમમાં વિશેષ વધારો પણ કરવામાં આવશે. સમગ્ર આયોજન અને જાહેરાત વેળાએ રાજકોટ મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર, દંડક, પક્ષના નેતા તેમજ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રાજકોટની જનતાને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.