રાજકોટમાં આપઘાતના બે ચકચારી બનાવ: 7 મહિનાના લગ્નજીવન બાદ પરિણીતાનું શંકાસ્પદ મોત

શહીદ ભગતસિંહ ટાઉનશીપમાં 35 વર્ષીય રીંકલબેન વડાલીયાએ ઝેરી દવા ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 16 Nov 2026 06:53 PM (IST)Updated: Mon, 16 Nov 2026 06:53 PM (IST)
rajkot-married-women-suicide-cases-kuvadva-road-and-shital-park-police-investigation

Rajkot News: રાજકોટ શહેરમાં આપઘાતની 2 અલગ-અલગ ઘટના સામે આવી છે. શીતલ પાર્ક પાસે આવેલ શહીદ ભગતસિંહ ટાઉનશીપમાં 35 વર્ષીય રીંકલબેન વડાલીયાએ ઝેરી દવા ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. તેમના મોટા બહેનની પ્રથમ પુણ્યતિથિએ જ આ ઘટના બની હતી. બીજી તરફ, કુવાડવા રોડની સોમનાથ સોસાયટીમાં રહેતા સંગીતાબેન મેરે લગ્નના 7 મહિના બાદ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બંને બનાવમાં સંબંધિત પોલીસ મથકે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

પ્રથમ બનાવ: શીતલ પાર્ક વિસ્તારમાં 35 વર્ષીય પરિણીતાનો આપઘાત

રાજકોટના શીતલ પાર્ક પાસે આવેલ શહીદ ભગતસિંહ ટાઉનશીપમાં રહેતા 35 વર્ષીય રીંકલબેન હિતેશભાઈ વડાલીયાએ રાત્રિના સમયે પોતાના ઘરે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. પરિવારજનોને જાણ થતાં તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતા હતા રીંકલબેન

ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, રીંકલબેન મૂળ જેતપુરના વતની હતા અને રાજકોટમાં એક ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતા હતા. તેમના પતિ હિતેશભાઈ ગામડે ખેતીકામ સંભાળે છે. દંપતીને એક પુત્ર છે, જે હાલ અભ્યાસ કરી રહ્યો છે.

સુસાઈડ નોટમાં કોઈને જવાબદાર ન ગણાવ્યા

પોલીસ તપાસ દરમિયાન રીંકલબેન પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. તેમાં તેમણે લખ્યું હતું કે તેઓ કંટાળી ગયા છે અને પોતાની મરજીથી આ પગલું ભરી રહ્યા છે. તેમના મોત પાછળ કોઈનો વાંક ન હોવાનું પણ લખ્યું હતું. સાથે જ તેમણે પોતાની અંતિમવિધિ માતાના ઘરે કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને પુત્રને સાચવવા માટે જણાવ્યું હતું.

એક વર્ષ પહેલા મોટી બહેનની થઈ હતી હત્યા

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, રીંકલબેનના મોટા બહેન તૃષાબેનની 15 નવેમ્બર, 2025 ના રોજ નાગેશ્વર સોસાયટીમાં તેમના પતિ લાલજીભાઈ પઢિયારે હત્યા કરી હતી. ત્યારબાદ લાલજીભાઈએ પણ આપઘાત કરી લીધો હતો. મોટા બહેનની પ્રથમ પુણ્યતિથિના દિવસે જ રીંકલબેનનું મોત થતાં આ બાબત પણ તપાસનો વિષય બની છે.

બહેનના વિયોગને કારણે તેમણે આ પગલું ભર્યું હતું કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. રીંકલબેનના પતિ હિતેશભાઈએ પણ આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ પોતે જાણતા ન હોવાનું જણાવ્યું છે. હાલ યુનિવર્સિટી પોલીસ મથકના ASI જે.એસ. જાડેજાએ અકસ્માતે મોતની નોંધ કરી છે. પરિવારજનોના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

બીજી બનાવ: લગ્નના માત્ર 7 મહિનામાં જ યુવતીએ કર્યો આપઘાત

રાજકોટના કુવાડવા વિસ્તારમાં રંગીલા મેઈન રોડ પર આવેલી સોમનાથ સોસાયટીમાં 25 વર્ષીય સંગીતાબેન ચતુરભાઈ મેરે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

બનાવની રાત્રે પતિએ સાળાને ફોન કર્યો હતો

મળતી વિગતો મુજબ, સંગીતાબેનના લગ્ન ચતુરભાઈ મેર સાથે માત્ર 7 મહિના પહેલા જ થયા હતા. તેમના પતિ ઘરે જ ચાંદીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. માહિતી અનુસાર, બનાવની રાત્રે આશરે 9:00 વાગ્યે પતિ ચતુરભાઈએ સંગીતાબેનના ભાઈ મહેશભાઈને ફોન કર્યો અને જણાવ્યું હતું કે, તમારી બહેન ઝઘડો કરે છે, તેથી આવીને તેને તેડી જાય.

ભાઈનો આક્ષેપ: બહેનની હત્યા કરવામાં આવી

પતિના ફોન બાદ થોડા જ સમયમાં સંગીતાબેને ગળેફાંસો ખાઈ લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે મૃતકના પિયર પક્ષે ગંભીર આક્ષેપો કર્યા છે. મૃતક સંગીતાબેનના ભાઈ મહેશભાઈએ આક્ષેપ કર્યો છે કે તેમની બહેને આપઘાત કર્યો નથી, પરંતુ તેના પતિએ જ તેની હત્યા કરી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ સ્પષ્ટ થશે

લગ્નના માત્ર 7 મહિનામાં પરિણીતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં અનેક સવાલો ઉભા થયા છે. જોકે, હત્યાના આક્ષેપની સત્યતા તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા પતિ અને પિયર પક્ષનાનિવેદનનોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.