Rajkot News: રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામની સીમમાં નકલી ખેતીવાડી દવાઓ બનાવવાના એક કારખાના પર SOG અને દિલ્હીની કંપનીના અધિકારીએ સંયુક્ત દરોડો પાડીને કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે નકલી દવાઓનો જથ્થો તેમજ નામાંકિત કંપનીઓના ડુપ્લીકેટ સ્ટિકરો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કારખાનામાં નકલી દવાઓનું ગેરકાયદેસર ઉત્પાદન
પ્રાપ્ત વિગતો અનુસાર, પડધરી તાલુકાના તરઘડી ગામની સીમમાં હરિશ્રી ક્રોપ સાયન્સ નામના કારખાનામાં ખેતીવાડીની નકલી દવાઓનું ગેરકાયદેસર ઉત્પાદન અને પેકિંગ કરવામાં આવતું હતું. એક નામાંકિત એગ્રો કંપનીના પ્રતિનિધિને બાતમી મળી હતી કે તેમની કંપનીની બ્રાન્ડના નામે બજારમાં નકલી જંતુનાશક દવાઓનું ડુપ્લીકેશન થઈ રહ્યું છે. બાતમીની ખરાઈ કર્યા બાદ કંપનીના અધિકારીઓ તાત્કાલિક પડધરી પહોંચ્યા અને રાજકોટ ગ્રામ્ય SOG ટીમનો સંપર્ક સાધ્યો હતો.
રાજકોટ ગ્રામ્ય SOG PSI જી.જે.ઝાલા અને તેમની ટીમે તથા કંપનીના પ્રતિનિધિઓ સંયુક્ત રીતે આયોજનબદ્ધ રીતે તરઘડી સીમમાં આવેલા ઉક્ત કારખાના પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કારખાનાની અંદર નકલી દવાઓ તૈયાર કરવાની અને તેના પર અસલી જેવા દેખાતા સ્ટિકર ચોંટાડવાની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ખુલ્યું હતું. પોલીસે સ્થળ પર અંદાજે રૂપિયા 11,000 કિંમતની નકલી જંતુનાશક દવાઓનો જથ્થો તેમજ અલગ-અલગ બ્રાન્ડના 6,800 જેટલા ડુપ્લીકેટ સ્ટિકરો કબ્જે કર્યા હતા.
કારખાનાના સંચાલક સામે પોલીસ ગુનો નોંધાયો
આ મામલે જે કંપનીની દવાઓનું ડુપ્લીકેશન કરવામાં આવી રહ્યું હતું, તેના લીગલ એડવાઈઝર પોતે ફરિયાદી બન્યા છે. ફરિયાદના આધારે પડધરી પોલીસ મથકમાં કારખાનાના સંચાલક વિશાલ રમેશભાઈ ડોબરીયા (રહે. હરિપર, તા. પડધરી) વિરુદ્ધ BNS વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ આરોપી વિશાલ ડોબરિયાને નોટિસ પાઠવી આગળની તપાસ તેજ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ચોમાસા અને શિયાળુ પાકની સિઝન દરમિયાન ખેડૂતો મોંઘા ભાવની જંતુનાશક દવાઓ ખરીદતા હોય છે. આવા સમયે લેભાગુ તત્વો દ્વારા નકલી દવાઓ બજારમાં પધરાવી દઈને ખેડૂતો સાથે સીધી છેતરપિંડી કરવામાં આવે છે. નકલી દવાઓના છંટકાવથી પાકમાં જીવાત નિયંત્રણમાં આવવાને બદલે ઊલટાનું પાકને નુકસાન થાય છે, જેના કારણે ખેડૂતોને આર્થિક પાયમાલી વેઠવાનો વારો આવે છે.
હાલ પડધરી પોલીસ અને SOG દ્વારા એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે કે આ કારખાનું કેટલા સમયથી કાર્યરત હતું, નકલી દવા બનાવવા માટેનો કાચો માલ ક્યાંથી લાવવામાં આવતો હતો અને આ તૈયાર થયેલો નકલી માલ કયા-કયા વિસ્તારના વેપારીઓ કે ખેડૂતો સુધી પહોંચાડવામાં આવ્યો છે. પોલીસની આ કડક કાર્યવાહીથી નકલી બિયારણ અને દવાઓનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
