Rajkot News: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં સ્નાતક (UG) અને અનુસ્નાતક (PG) કક્ષાના કોર્સમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે ભારે નીરસતા દર્શાવી છે. યુનિવર્સિટીમાં કુલ પ્રવેશપાત્ર 1,00,558 બેઠકો સામે માત્ર 56,143 વિદ્યાર્થીઓએ જ પ્રવેશ મેળવ્યો છે. એટલે કે, 50 ટકાથી વધુ બેઠકો હજુ પણ ખાલી પડી છે, જે યુનિવર્સિટી માટે ચિંતાનો વિષય બન્યો છે.
UGમાં સૌથી વધુ નીરસતા
યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશીના જણાવ્યા મુજબ, સ્નાતક (UG) કક્ષાએ 89,666 બેઠકો સામે માત્ર 43,937 વિદ્યાર્થીઓએ જ પ્રવેશ લીધો છે, જેના કારણે 45,729 બેઠકો ખાલી રહી છે. વિદ્યાર્થીઓની આ નીરસતાને કારણે સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજોએ ઊંડા મનોમંથનની જરૂરિયાત ઊભી થઈ છે.
જોકે, અનુસ્નાતક (PG) કક્ષાએ કુલ 10,892 બેઠકો સામે 12,171 વિદ્યાર્થીઓએ રસ દાખવ્યો છે. આશ્ચર્યજનક રીતે, યુનિવર્સિટીના 29 ભવનોની 1,642 બેઠકો સામે 590 બેઠકો ખાલી રહી છે, જ્યારે ખાનગી કોલેજોની 9,250 બેઠકો સામે 11,119 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે પડાપડી કરી છે.
GCAS પોર્ટલની સમસ્યાઓ
શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયા બાદ અને દિવાળી વેકેશન આવી ગયું હોવા છતાં GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) દ્વારા UGમાં 32 અને PGમાં 28 રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ પણ એડમિશન પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. આ પાછળ સરકારી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓની નીરસતા મુખ્ય કારણ માનવામાં આવે છે.
યુનિવર્સિટી તરફથી GCAS પ્રક્રિયામાં રહેલી કેટલીક સમસ્યાઓ તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. જેમ કે, કેટેગરી મુજબ કેટલી સીટ ખાલી છે તેની વિગત ન મળવી, ચોઇસ ફિલિંગ બાદ પણ ખાલી રહેલી કેટેગરીની સીટોને અન્ય કેટેગરીમાં કન્વર્ટ કરવાની છૂટ ન મળવી, અને ઓફર લેટર મળ્યા બાદ ફી ન ભરનાર વિદ્યાર્થીનું એડમિશન રદ કરવાની સત્તા કોલેજ પાસે ન હોવાથી સીટો બિનઉપયોગી પડી રહે છે. આ સમસ્યાઓથી પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલીઓ વધી છે.
