Rajkot Triple Accident: રાજકોટના મોરબી રોડ પર 23 સપ્ટેમ્બરની રાત્રે આશરે 9:30 વાગ્યાના અરસામાં ગંભીર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. હડાળા ગામ નજીક વિશાલ ચાની હોટલ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે સાઇડમાં પાર્ક કરેલી સ્વિફ્ટ કાર અને રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં બે લોકોનાં મોત થયા હોવાનું જણાવાયું છે. મૃતકોમાં ભાવનગર રોડ પર રહેતા 45 વર્ષીય અજિઝશાહ જીલુશાહ શાહમદાર અને બેડી ગામે રહેતા 20 વર્ષીય કાનો હુંબલનો સમાવેશ થાય છે.
મોરબી ખાતે ઉર્સમાં જતાં હતા અજિઝશાહ
અકસ્મતમાં મૃત્યુ પામેલા 45 વર્ષીય અજિઝશાહ પોતાના પુત્ર સાથે રિક્ષામાં મોરબી ખાતે ઉર્સમાં જઈ રહ્યા હતા. પરિવારની વિગતો મુજબ, અજિઝશાહના પત્ની બે દિવસથી પિયરમાં હતા અને પરિવાર પરત રાજકોટ ફરવાનો હતો. પરંતુ મોરબી પહોંચે તે પહેલાં જ હડાળા ગામ નજીક અકસ્માત સર્જાતા અજિઝશાહનું મોત થયું હતું. સૌથી કરુણ બાબત એ છે કે, પુત્રની નજર સામે જ પિતાનું મોત થયું, જેના કારણે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
લોકગાયિકા મીરા આહીરના ભાઈનું મોત
અકસ્મતમાં મૃત્યુ પામેલા બીજા યુવાન 20 વર્ષીય કાનો હુંબલ અંગે પણ હૃદયદ્રાવક વિગતો સામે આવી છે. કાનો માધાપર ગામ નજીક રહેતો હતો અને તે સૌરાષ્ટ્રના જાણીતા લોકગાયિકા મીરા આહીર સહિત પાંચ બહેનોનો એકનો એક ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ કાનો ગઈકાલે રાત્રે પોતાના મિત્રો સાથે બહાર આંટો મારવા અને ચા પીવા માટે નીકળ્યો હતો. જોકે, રસ્તામાં બનેલા આ ગમખ્વાર અકસ્માતમાં તેનું મોત થયું હતું. કાનોના મોતના સમાચાર મળતા જ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ખાસ કરીને પાંચ બહેનોએ પોતાના એકના એક ભાઈને ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો છે.
ઘટનાના સીસીટીવી સામે આવ્યા
મોરબી રોડ પર બનેલા આ અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. CCTV ફૂટેજમાં પૂરપાટ ઝડપે આવતો ટ્રક સાઇડમાં પાર્ક કરેલી સ્વિફ્ટ કાર અને રિક્ષા સાથે અથડાતો હોવાનું જોવા મળ્યું હોવાની માહિતી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી રોડ પર બનેલી આ ઘટનાએ બે પરિવારોને ઊંડા આઘાતમાં મૂકી દીધા છે.
બેના મોતથી પરિવારમાં શોકનો માહોલ
એક તરફ મોરબી ઉર્સ માટે પરિવાર સાથે નીકળેલા અજિઝશાહનું પુત્રની નજર સામે મોત થયું, તો બીજી તરફ પાંચ બહેનોના એકના એક ભાઈ કાનોનું અચાનક મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે.આ બનાવે ફરી એકવાર રાત્રિના સમયે વાહનચાલકો દ્વારા ઝડપ અને સલામતીના નિયમોનું પાલન કેટલું મહત્વનું છે તે મુદ્દો સામે લાવ્યો છે. જોકે, અકસ્માતના ચોક્કસ કારણો અને પોલીસ તપાસમાં સામે આવનારી વિગતો સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
