Rajkot Mega Demolition: નવાગામ-આણંદપરમાં સરકારી જમીન પર કલેક્ટરનું બુલડોઝર ફર્યું, રૂપિયા 10 કરોડની પ્રોપર્ટી કરાઈ મુક્ત

રાજકોટના આણંદપર નવાગામમાં સર્વે નંબર 207 પર કલેક્ટર ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ મેગા ડિમોલિશન. ₹10 કરોડની સરકારી જમીન પરથી 35 ગેરકાયદે મકાનો હટાવાયા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 22 May 2026 11:41 PM (IST)Updated: Fri, 22 May 2026 11:41 PM (IST)
rajkot-mega-demolition-collectors-bulldozer-roams-on-government-land-in-nawagam-anandpar-property-worth-rs-10-crores-vacated

Rajkot Demolition News: રાજકોટ જિલ્લા પ્રશાસન દ્વારા ભૂમાફિયાઓ અને સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવનારા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. રાજકોટ નજીક આવેલા આણંદપર (નવાગામ) વિસ્તારમાં કલેક્ટર તંત્ર દ્વારા વહેલી સવારથી જ એક મોટું ઓપરેશન હાથ ધરીને અંદાજે ₹10 કરોડની કિંમતી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. તંત્રની આ આકરી કાર્યવાહીથી સ્થાનિક ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

સર્વે નંબર 207 પર વર્ષો જૂનું દબાણ હતું

મળતી માહિતી મુજબ, આણંદપર નવાગામના સર્વે નંબર 207 પૈકીની સરકારી માલિકીની કરોડોની કિંમતની જમીન પર છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર આસામીઓ અને ભૂમાફિયાઓએ અડ્ડો જમાવ્યો હતો. આ લોકેશન પર અંદાજે 35 જેટલા કાચા અને પાકા મકાનોનું ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવ્યું હોવાનું જિલ્લા કલેક્ટર પ્રશાસનના ધ્યાને આવ્યું હતું.

naidunia_image

અગાઉ નોટિસ આપવા છતાં જમીન ખાલી ન કરાઈ

દબાણની વિગતો સામે આવ્યા બાદ, કલેક્ટર વિભાગ દ્વારા નિયમ અનુસાર તમામ 35 આસામીઓને સ્વેચ્છાએ પોતાના દબાણો હટાવી લેવા માટે કાયદેસરની નોટિસો પાઠવવામાં આવી હતી. જોકે, આ નોટિસની મુદ્દત વીતી જવા છતાં દબાણકર્તાઓએ સરકારી જમીન ખાલી કરી નહોતી. પરિણામે, કલેક્ટર તંત્રએ કડક વલણ અપનાવીને બુલડોઝર એક્શન લેવાનો નિર્ણય કર્યો હતો.

વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત સાથે મેગા ઓપરેશન

તાલુકા મામલતદારની આગેવાની હેઠળની ટીમ, પોલીસ કાફલો અને અન્ય સંબધિત વિભાગો આજે વહેલી સવારે જ આણંદપર નવાગામ ખાતે ધસી ગયા હતા. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ ઉપરાંત, ડિમોલિશન દરમિયાન વીજ અકસ્માત કે ટેકનિકલ સમસ્યાઓ નિવારવા માટે PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ની ટીમને પણ ખાસ સાથે રાખવામાં આવી હતી.

સવારથી શરૂ થયેલી બુલડોઝરની આ કડક કાર્યવાહી બપોર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી અને તમામ 35 ગેરકાયદે મકાનો જમીનદોસ્ત કરી દેવાયા હતા.

naidunia_image

કલેક્ટર ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ એક્શન

આ સમગ્ર મેગા ઓપરેશન રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન ઘટનાસ્થળે તાલુકા મામલતદાર મકવાણા, દબાણ વિભાગના નાયબ મામલતદાર ભૂમિ લાવડીયા, સર્કલ ઓફિસર તેજ બાણુંગરિયા સહિત મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓનો મોટો કાફલો હાજર રહ્યો હતો. પ્રશાસનની આ સપાટો બોલાવતી કામગીરીથી સરકારી જમીનો પચાવી પાડતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

naidunia_image