Rajkot News: રાજકોટમાં જંગલેશ્વરમાં ડિમોલિશનની કામગીરી દરમિયાન કરવામાં આવેલા ખર્ચનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. વિપક્ષ દ્વારા આ મામલે સીટની રચના કરવાની માગ કરવામાં આવી છે ત્યારે આજે રાજકોટના મેયર ડો. નેહલ શુક્લ દ્વારા સીટની રચના કરવામાં આવે તેવો આદેશ મ્યુનિસિપલ કમિશનરને આપ્યો છે.
જંગલેશ્વરમાં ડિમોલિશનની કામગીરી દરમિયાન લાખો રૂપિયાના ગોટાળા થયા હોવાના એક પછી એક આંકડા સામે આવી રહ્યાં છે. પાણીની જે બોટલ હોલસેલમાં અઢીથી ત્રણ રૂપિયામાં મળતી હોય તેના આઠ રૂપિયા, ચાનો બમણો ભાવ, કાજુ કતરી અને ખજુર રોલ સહિત જમવાની રજવાડી ડીશ, આવી બધી જિયાફત પાછળ ખર્ચ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. લાખો રૂપિયાની કટકીનો વિવાદ વકરતા સ્ટેન્ડીંગ કમિટીએ તો હાલ પુરતી ખર્ચ મંજૂરીની દરખાસ્ત પેન્ડીંગ રાખી છે. જો કે પેન્ડીંગ રખાયેલો ખર્ચ માત્ર ખાણીપીણીનો રૂ.27 લાખનો જ છે.
દરમિયાન મેયર ડો.નેહલ શુક્લે શહેર ભાજપ પ્રમુખ માધવ અને સ્ટેન્ડીંગ ચેરમેન પરેશ પીપળિયાની હાજરીમાં પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં તેમણે જાહેર કર્યું હતું કે, જંગલેશ્વર ડિમોલિશનમાં થયેલા ખર્ચના વિવાદને ઉકેલવા માટે ખાસ તપાસ કમિટી રચવામા આવશે. કમિટીમાં ક્યા સભ્ય લેવા તેનો નિર્ણય મ્યુનિ.કમિશનર ઉપર છોડવામા આવ્યો છે. મનપામાં છુટક વસ્તુથી માંડી જે કઇ મોટા કામના કોન્ટ્રાક્ટ આપવામા આવે છે તેના માટે ભાવ બાંધણુ ફિક્સ કરાય છે. જે તે વસ્તુની કિંમત નક્કી કરવા માટે સતાવાર રીતે સ્ટેન્ડીંગ કમિટીમાં મંજૂરી આપવામા આવે છે. જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચાઓનો એક પછી એક મસમોટો કડદો બહાર આવી રહ્યો છે તેની સાથે રેટ કોન્ટ્રાક્ટના ભ્રષ્ટાચારનો ગોઠવણોનો પણ એકપછી એક પરપોટો ફૂટી રહ્યો છે.
પાણીની જે બોટલ સર્વિસ ટેક્સ, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઉમેર્યા પછી પણ હોલસેલમાં ત્રણથી ચાર રૂપિયામાં મળતી હોય તેનો ભાવ આઠ રૂપિયા! ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી, જમણવાર, ડેકોરેશન, મંડપ સર્વિસ સહિત આવા તો અઢળક વસ્તુઓ છે કે, જેમા બમણા ભાવના રેટ કોન્ટ્રાક્ટ હોવાની ચર્ચા થઇ રહી છે, ત્યારે મ્યુનિ.કમિશનર અને મેયરે એવી ખાતરી આપી હતી કે, જે પેમેન્ટ રેટ કોન્ટ્રાક્ટમાં ચુકવાઇ ગયા છે તે રિકવર કરવા માટેના વિકલ્પો છે જ. ખર્ચ અયોગ્ય હશે તો રિકવર કરાશે.
