રાજકોટ લોકમેળાનો આજે આખરી દિવસ: 4 દિવસમાં 10 લાખથી વધુ સહેલાણીઓ ઉમટ્યા, આજે આંકડો 12 લાખ પાર થવાની વકી

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ભાતીગળ લોકમેળાનો આજે આખરી દિવસ છે. ચાર દિવસમાં 10 લાખથી વધુ સહેલાણીઓ ઉમટ્યા, આજે આંકડો 12 લાખ પાર થવાની શક્યતા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 06 Sep 2026 12:54 PM (IST)Updated: Sun, 06 Sep 2026 12:54 PM (IST)
rajkot-lok-mela-final-day-12-lakh-visitors-expected

Rajkot Lok Mela 2026: રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભાતીગળ લોકમેળાનો આજે (6 સપ્ટેમ્બર) પાંચમો અને આખરી દિવસ છે. રાંધણ છઠ્ઠથી શરૂ થયેલા આ મેળામાં ગઈકાલે ચોથા દિવસે શનિવારે બપોર બાદ અપેક્ષા કરતાં વધુ જનમેદની ઉમટી પડતાં સમગ્ર મેદાનમાં કીડિયારું ઊભરાયું હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.

મેળામાં લોકોએ રાઈડ્સનો આનંદ માણ્યો

ચાર દિવસમાં જ 10 લાખથી વધુ સહેલાણીઓએ ચકરડી, ફજતફાળકા, વિવિધ આકાશી રાઈડ્સ અને ખાણી-પીણીની મજા માણી લીધી છે. આ મેળામાં સુરક્ષા વ્યવસ્થા અને આપાતકાલીન સ્થિતિમાં પોલીસ વિભાગ અને એમ્બ્યુલન્સ સેવા ખડે પગે રહ્યા છે. ઉપરાંત મેળામાં લોકો મન ભરીને મેળો માણી શકે તે અંગે ખાસ તકેદારી રાખવામાં આવી છે.

પાંચ દિવસમાં 12 લાખનો આંકડો વટશે

સાતમ, આઠમ, નોમમાં ભાતીગળ મેળામાં રાજકોટ સહિત આસપાસના શહેરોના લોકો મેળાની મોજ માણવા ઉમટી પડ્યા હતા. મેળામાં પરિવાર સાથે આવેલા લોકોએ મેળાનો ભરપુર આનંદ માણ્યો. આજે રવિવારની સાપ્તાહિક રજા હોવાથી સાંજ સુધીમાં વધુ 2 લાખથી વધુ લોકો મેળો માણવા પહોંચે તેવી શક્યતા છે, જેને પગલે પાંચ દિવસનો કુલ આંકડો 12 લાખને વટાવી જશે.