Rajkot Lok Mela 2026: સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક વારસા સમાન અને લાખો લોકોની આસ્થા તેમજ મનોરંજનનું કેન્દ્ર એવો રાજકોટનો પ્રખ્યાત પરંપરાગત લોકમેળો આ વર્ષે પણ તેના મૂળ સ્થાને એટલે કે શહેરના રેસકોર્સ મેદાન ખાતે જ યોજાશે.
છેલ્લા બે વર્ષથી જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક ધારાસભ્યો દ્વારા આ લોકમેળાને જામનગર રોડ પર અટલ સરોવર નજીક ’ન્યુ રેસકોર્સ’ ખાતે ખસેડવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા.
જો કે મેદાન સમતલ કરવા અને જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે રાજ્ય સરકાર પાસે માંગવામાં આવેલી રૂ. 18 કરોડની ગ્રાન્ટ હજુ સુધી મંજૂર ન થતાં, તંત્રએ આખરે આ વર્ષ પૂરતો મેળો જૂના રેસકોર્સ મેદાનમાં જ યોજવાનું નક્કી કર્યું છે. વહીવટી તંત્ર દ્વારા પ્રિ-પ્લાનિંગ અને આયોજનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રૂ. 18 કરોડની ગ્રાન્ટ મંજૂર ના થતાં પ્લાન પડતો મૂકાયો
રાજકોટ લોકમેળા સમિતિ અને ધારાસભ્યો ન્યુ રેસકોર્સ ખાતે મેળાનું આયોજન થાય તે માટે લોકમેળા સમિતિ દ્વારા રાજ્ય સરકારના સંબંધિત વિભાગ સમક્ષ ન્યુ રેસકોર્સના મેદાનને લેવલિંગ કરવા, લાઈટિંગ, પાણી અને ડ્રેનેજ લાઈન જેવી પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવા માટે અંદાજે 18 કરોડ રૂપિયાની વિશેષ ગ્રાન્ટની માંગણી કરવામાં આવી હતી.
જો કે લોકમેળાના આયોજનનો સમય નજીક આવી ગયો હોવા છતાં સરકાર તરફથી આ ગ્રાન્ટને લીલી ઝંડી મળી શકી નથી. તંત્રએ આ વર્ષે પણ જૂના રેસકોર્સ મેદાન પર જ પસંદગીનો કળશ ઢોળ્યો છે.
5 દિવસ ચાલનારા લોકમેળામાં સૌરાષ્ટ્રભરમાંથી 10 થી 15 લાખ લોકો ઉમટશે
આ વર્ષે લોકમેળો આગામી 2 સપ્ટેમ્બરથી શરૂ થશે અને સતત પાંચ દિવસ સુધી એટલે કે 6 સપ્ટેમ્બર સુધી ચાલશે. સામાન્ય રીતે સાતમ-આઠમના તહેવારો દરમિયાન યોજાતો આ મેળો રાંધણ છઠ્ઠના દિવસથી વિધિવત રીતે શરૂ થઈ જશે.
પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રભરમાંથી અંદાજે 10 થી 15 લાખ જેટલા લોકો આ મેળાની મુલાકાત લેતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને રેસકોર્સ મેદાનમાં જ તમામ પ્રકારના સ્ટોલ, ખાણી-પીણી બજાર, રમકડાના સ્ટોલ અને નાની-મોટી યાંત્રિક રાઈડ્સ ગોઠવવાનો પ્લોટિંગ તૈયાર કરવાની કવાયત શરૂૂ કરી દેવામાં આવી છે.
લોકમેળાના આયોજન માટે આવતીકાલે રાજકોટ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ’લોકમેળા સમિતિ’ની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, સંબંધિત નાયબ મામલતદારો તેમજ કોર્પોરેશન, પોલીસ, PGVCL અને માર્ગ-મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓને ફરજિયાત હાજર રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ પ્રથમ બેઠકમાં જ મેળાની વિવિધ પેટા સમિતિઓ જેવી કે સ્ટોલ વિતરણ સમિતિ, કાયદો-વ્યવસ્થા સમિતિ, સાંસ્કૃતિક સમિતિ અને આરોગ્ય સમિતિની રચના કરવામાં આવશે.
રેસકોર્સ મેદાન ભીડને નિયંત્રિત કરવા માટે વન-વે સિસ્ટમ, ઇમરજન્સી એક્ઝિટ ગેટ, CCTV કેમેરાનું નેટવર્ક અને પોલીસ વોચ ટાવર ઊભા કરવા અંગે આવતીકાલની બેઠકમાં પ્રાથમિક રોડમેપ તૈયાર થશે.
આ ઉપરાંત ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને મેદાનમાં વોટર લોગિંગ ન થાય તે માટે જેસીબીની મદદથી ડ્રેનેજ લાઈનો સાફ કરવા અને મેદાનમાં મુરમ્મ પાથરવાની કામગીરી પણ વહેલી તકે હાથ ધરવામાં આવશે.
