Rajkot Accident News: રાજકોટ-કાલાવડ રોડ પર વડ વાજડી ગામ પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા પતિ-પત્નીના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે તેમની બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મળતી વિગત અનુસાર, મૃતક મહિલા ચાર મહિના ગર્ભવતી હતી.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, 33 વર્ષીય મિતેષભાઈ ગોવિંદભાઈ વાઘેલા અને તેમના 25 વર્ષીય પત્ની કવિતાબેન તેમની પુત્રી જીનલ સાથે એક્સેસ સ્કૂટર નંબર GJ-25-AF-6235 પર રાજકોટ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સાંજે આશરે 7 વાગ્યાના અરસામાં વડ વાજડી ગામ પાસે ટ્રક નંબર GJ-03-BY-4866 સાથે સ્કૂટરની જોરદાર ટક્કર થઈ હતી.

આ અકસ્માતમાં મિતેષભાઈ અને તેમના પત્ની કવિતાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે તેમની પુત્રી જીનલ ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. વધુમાં મળતી માહિતી મુજબ, અકસ્માતમાં મૃત્યુ પામેલા કવિતાબેન ચાર મહિનાના ગર્ભવતી હતી.
મિતેષભાઈ મૂળ કળછ (ઘેડ) ગામના વતની હતા અને હાલ ખીરસરા રણમલજીના નવા પ્લોટ વિસ્તારમાં રહેતા હતા. તેઓ એક ફેક્ટરીમાં કામ કરતા હતા. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. હાલ સમગ્ર અકસ્માત અંગે મેટોડા GIDC પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
