Rajkot: કાગવડ નજીક હેવન રિસોર્ટમાં કરુણ ઘટના, સ્વિમિંગ પૂલમાં નહાતી વખતે 33 વર્ષીય યુવાનનું રહસ્યમય મોત

પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ કબજે કરીને તપાસ હાથ ધરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 19 Apr 2026 08:07 PM (IST)Updated: Sun, 19 Apr 2026 08:08 PM (IST)
rajkot-kagvad-heaven-resort-swimming-pool-young-man-death-incident
HIGHLIGHTS
  • હેવન રિસોર્ટમાં બની કરુણ ઘટના
  • સ્વિમિંગ પૂલમાં ઢળી પડ્યો યુવક
  • 33 વર્ષીય યુવાનનું રહસ્યમય મોત

Rajkot Heaven Resort News: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ નજીક આવેલા જાણીતા હેવન રિસોર્ટમાં આજે એક અત્યંત કરૂણ દુર્ઘટના સર્જાઈ છે. રવિવારની રજા માણવા ગયેલા પરિવારની ખુશીઓ ત્યારે માતમમાં ફેરવાઈ ગઈ, જ્યારે પરિવાર સાથે સ્વિમિંગ પૂલમાં નહાતી વખતે એક 33 વર્ષીય યુવાનનું રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું. આ સમગ્ર હૃદયદ્રાવક ઘટના રિસોર્ટના CCTV કેમેરામાં પણ કેદ થઈ છે.

અચાનક બેભાન થઈ પાણીમાં ગરક થયો

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલ તાલુકાના નવાગામમાં રહેતા 33 વર્ષીય અજય રાઠોડ આજે રવિવાર હોવાથી પોતાના પરિવાર સાથે કાગવડ પાસેના હેવન રિસોર્ટમાં પિકનિક માટે આવ્યા હતા. બપોરના સમયે જ્યારે અજય પરિવારના અન્ય સભ્યો સાથે સ્વિમિંગ પૂલમાં નહાઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ તેઓ બેભાન થઈને પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

તાત્કાલિક સારવાર છતાં યુવકનું મોત થયું

યુવાનને પાણીમાં ડૂબતો જોઈને આસપાસના લોકો અને પરિવારજનોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. હાજર લોકોએ તુરંત જ અજયને સ્વિમિંગ પૂલની બહાર કાઢ્યો અને પ્રાથમિક સારવારના ભાગરૂપે CPR આપ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને વીરપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ અજયને મૃત જાહેર કર્યા હતા.

મોતનું કારણ જાણવા થશે ફોરેન્સિક PM

આ ગોઝારી ઘટના બાદ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતા. યુવાનનું મોત હાર્ટ એટેક આવવાથી થયું છે કે પછી પાણીમાં ડૂબી જવાથી, તે અંગે હજુ ચોક્કસ માહિતી મળી શકી નથી. મોતનું સાચું કારણ જાણવા માટે વીરપુર ખાતે પ્રાથમિક પોસ્ટમોર્ટમ કર્યા બાદ, મૃતદેહને વધુ તપાસ અર્થે ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલમાં પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ કબજે કરીને આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.