Rajkot Janmashtami Lok Mela: રાજકોટ શહેરના આંગણે આજે સાંજે પ્રસિદ્ધ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનું ભવ્ય લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ ઉજવણીને પગલે પોલીસ અને ટ્રાફિક તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે શહેરના આસપાસના મુખ્ય માર્ગો પર વ્યાપક બેરિકેડિંગ કરીને વાહનો માટે ડાઇવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે.
રસ્તાઓ બંધ કરી વાહનો ડાઇવર્ટ કરાતાં શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે જવાહર રોડ, યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, રૈયા રોડ અને ચૌધરી હાઈસ્કૂલ ચોક સહિતના માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ગંભીર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
મુખ્ય માર્ગો પર ટ્રાફિક બ્લોક થતાં વાહનચાલકોએ પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે આસપાસની નાની-નાની શેરીઓમાંથી વાહનો પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે સાંકડા રસ્તાઓ પર અચાનક વાહનોનો ધસારો વધી જતાં શેરીઓ અને અંતરિયાળ ગલીઓમાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
સાંજ પૂર્વે જ સર્જાયેલી આ ચક્કાજામની સ્થિતિને કારણે નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય વાહનચાલકો કલાકો સુધી રસ્તા પર અટવાઈ પડ્યા હતા અને ભારે હાલાકી ભોગવવી પડી હતી
