Rajkot: રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના કોટડા ગામે વ્યાજખોરોના આતંકથી એક દંપતીએ ઝેરી દવા ગટગટાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પતિનું મોત નીપજ્યું છે, જ્યારે પત્ની સારવાર હેઠળ છે. આ મામલે મૃતકના પુત્રની ફરિયાદના આધારે પોલીસે 7 જણા સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વિંછીયા તાલુકાના કોટડા ગામે રહેતા હિતેશભાઈ ગોહિલ લોખંડનું કારખાનું ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આજથી દોઢેક વર્ષ અગાઉ તેમને પૈસાની જરૂરિયાત ઉભી થતાં તેમણે અલગ-અલગ વ્યાજખોરો પાસેથી દોઢ કરોડ જેટલી રકમ લીધી હતી. જે તમામ રકમ વ્યાજ સાથે આપી દીધી હોવા છતાં વ્યાજખોરો સતત ઉઘરાણી માટે હિતેશભાઈને પરેશાન કરતા હતા.
વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી બે મહિના પૂર્વે હિતેશભાઈ ગામ છોડીને બહાર જતા રહ્યાં હતા. જે બાદ વ્યાજખોરો અવારનવાર ઘરે આવીને હિતેશભાઈના પિતા અશોકભાઈ ગોહિલ પાસે વ્યાજની ઉઘરાણી કરતાં હતા અને ધમકી આપતા હતા.
આખરે ગઈકાલે અશોકભાઈએ પત્ની સાથે ઝેરી દવા ગટગટાવી દીધી હતી. જેથી તાત્કાલિક તેમને સારવાર અર્થે જસદણની રામાણી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અશોકભાઈનું મોત થયું હતુ.
બીજી તરફ આ બાબતની જાણ થતાં હિતેશભાઈ પણ કોટડા આવી પહોંચ્યા હતા. જ્યાં પિતાના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં વ્યાજખોરોના આતંકથી પોતે અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતુ.
આ મામલે હિતેશભાઈની ફરિયાદના આધારે વિંછીયા રુરલ પોલીસે દેવાભાઈ ખાંભલા (ગરાંભડી, સુરેન્દ્રનગર), માત્રાભાઈ હાડગરડા (રહે. હાથસણી, રાજકોટ), ધનજીભાઈ (રહે.પીપરડી, બોટાદ), સુરાભાઈ વકાતર (રહે.હાથસણી, વિંછીયા, રાજકોટ) રણછોડ ઉર્ફે હસો સાંબડ (રહે. મોટી લાખવડ, વિંછીયા) અને ગુણુભાઈ (રહે.અમરાપુર, વિંછીયા) વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
