રાજકોટ: ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચાર વાહનો વચ્ચે ભયાનક અકસ્માત; ચા પીવા નીકળેલા બે મિત્રોના કરુણ મોત

ત્રણ મિત્રો ગત રાત્રે સાડા અગિયારેક વાગ્યાના અરસામાં એક્ટિવા લઈને ચા પીવા માટે નીકળ્યા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 01 Sep 2026 03:25 PM (IST)Updated: Tue, 01 Sep 2026 03:25 PM (IST)
rajkot-greenland-chokdi-road-multiple-vehicle-accident-two-friends-died
AI Generated Image

Rajkot Greenland Chokdi Accident: રાજકોટ શહેરમાં ગમખ્વાર અકસ્માતની એક ઘટના ગ્રીનલેન્ડ ચોકડી નજીક જુના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસે સામે આવી છે. અહીં એક બોલેરો, ઈકો કાર, રિક્ષા અને એક્ટિવા સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ચા પીવા નીકળેલા બે મિત્રોનું મોત થયું છે. મૃતકોના પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

ચા પીવા નીકળેલા મિત્રોને કાળનો ભેટો થયો

આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, રાજકોટના મોરબી રોડ પર આવેલા વેલનાથપરા વિસ્તારમાં રહેતા 18 વર્ષીય દશરથ રાજુભાઈ બજાણીયા, 23 વર્ષીય ચંદ્રેશ ધર્મેશભાઈ નિમાવત અને 17 વર્ષીય દેવરાજ ઉર્ફે દેવલો દેગામા એમ ત્રણ મિત્રો ગત રાત્રે સાડા અગિયારેક વાગ્યાના અરસામા એક્ટિવા સ્કૂટર લઈને ચા પીવા માટે નીકળ્યા હતા.

ત્રણેય મિત્રો જ્યારે ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલા જૂના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક પૂરપાટ ઝડપે આવી રહેલા રીક્ષા ચાલકે તેમના સ્કૂટરને જોરદાર ટક્કર મારી હતી. રિક્ષાની ટક્કર વાગતા જ સ્કૂટર પરથી ત્રણેય મિત્રો રોડ પર પટકાયા અને ત્યારબાદ બોલેરો, ઈકો, રિક્ષા અને સ્કૂટર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો.

બે મિત્રોએ જીવ ગુમાવ્યો, એક મિત્ર બચી ગયો

આ ભયાનક અકસ્માત સર્જાતા જ માર્ગ પરથી પસાર થતા સ્થાનિક લોકોના મોટા ટોળેટોળા એકઠા થઈ ગયા હતા, જેના કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતની આ ગંભીરતા વચ્ચે સ્કૂટર પર સવાર ત્રીજો સગીર મિત્ર દેવરાજ ઉર્ફે દેવલો દેગામા અકસ્માત સર્જાયા બાદ તરત જ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.

બીજી તરફ, ગંભીર રીતે ઘવાયેલા દશરથ બજાણીયા અને ચંદ્રેશ નિમાવતને શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ બંને યુવાનોની ઈજા એટલી ગંભીર હતી કે હોસ્પિટલના બિછાને સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેમણે દમ તોડી દીધો હતો.

બંને મૃતક અપરિણીત મિત્રો સાથે નોકરી કરતા

પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક બંને મિત્રો પરસ્પર અત્યંત નજીક હતા અને સાથે જ નોકરી કરતા હતા. દશરથ દશરથ બજાણીયા પોતાના પરિવારમાં ત્રણ ભાઈઓ અને એક બહેનમાં સૌથી નાનો અને અપરિણીત હતો. જ્યારે ચંદ્રેશ નિમાવત પોતાના પરિવારમાં બે ભાઈમાં સૌથી મોટો અને અપરિણીત હતો.

પોતાના વ્હાલસોયા યુવાન દીકરાઓને અકાળે ગુમાવી દેતાબંને પરિવારોમાં આક્રંદ અને કરુણ કલ્પાંત સર્જાયો છે. આ ચકચારી અકસ્માતના બનાવ અંગે સ્થાનિક કુવાડવા રોડ પોલીસે સત્તાવાર નોંધ કરીને કાયદેસરની વધુ તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.