સરકારી કચેરીમાં કર્મચારીએ ટૂંકાવ્યું જીવન: રાજકોટ બહુમાળી ભવનમાં પટ્ટાવાળા મહિલાના આપઘાતથી અરેરાટી

રાજકોટના બહુમાળી ભવન સ્થિત ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગની કચેરીમાં 57 વર્ષીય મહિલા કર્મચારી પ્રભાબેન સરવૈયાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે, પરંતુ આપઘાતનું કારણ હજુ અસ્પષ્ટ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 27 Nov 2026 12:47 PM (IST)Updated: Fri, 27 Nov 2026 12:47 PM (IST)
rajkot-government-office-suicide-female-peon-dies-by-hanging

Rajkot News: રાજકોટ શહેરમાં સરકારી કચેરીમાં આપઘાતની એક ચોંકાવનારી ઘટના સામે આવતા સરકારી વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે. રાજકોટના બહુમાળી ભવન ખાતે આવેલી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગની કચેરીમાં 57 વર્ષીય મહિલા કર્મચારીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. મૃતક મહિલાની ઓળખ પ્રભાબેન સરવૈયા તરીકે થઈ છે, જેઓ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગની કચેરીમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા હતા.

મહિલા કર્મચારીએ આપઘાત કર્યો

પ્રાથમિક માહિતી અનુસાર, પ્રભાબેન સરવૈયાએ બહુમાળી ભવનમાં આવેલી ભૂસ્તર શાસ્ત્રીની ચેમ્બરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સરકારી કચેરીની અંદર જ આ પ્રકારની ઘટના બનતા કચેરીના કર્મચારીઓમાં પણ ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના કર્મચારીઓ અને અન્ય લોકો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા.

મૃતદેહને પીએમ માટે ખસેડ્યો

બીજી તરફ, બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક બહુમાળી ભવન ખાતે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી તપાસ હાથ ધરી હતી. સાથે જ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસે કાર્યવાહી શરુ કરી

અત્રે ઉલ્લેખનીય છે કે, 57 વર્ષની વયે પ્રભાબેન સરવૈયાએ કયા કારણોસર આ પ્રકારનું અંતિમ પગલું ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. શું આપઘાત પાછળ કોઈ અંગત કારણ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં તપાસ જરૂરી બની છે. જોકે, આ મામલે પોલીસ તપાસ બાદ જ સમગ્ર હકીકત બહાર આવશે.