Rajkot News: ગુજરાતભરમાં નવરાત્રીમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વરસાદના વિઘ્ન વચ્ચે પણ વિવિધ સ્થળોએ ગરબા યોજાઈ રહ્યાં છે. રાજકોટમાં વિવિધ સ્થળે નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ગરબા રસિકો નવલા નોરતાામાં ગરબા રમવા જઇ રહ્યાં છે. શહેરના કાલાવડ રોડ પર ખોડલધામ નોર્થ ઝોન ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નજીવી બાબતે માથાકૂટ થઇ હતી. જેમાં વિફરેલા યુવકે છરી વડે હુમલો કરતા ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતાં પોલી પહોંચી હતી અને હુમલાખોરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પાછળના સોફા પર બેસવાનું કહેવાતા માથાકૂટ થઇ
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ખોડલધામ નોર્થ ઝોન ગરબા મહોત્સવમાં સોમવારે મોડી રાત્રે નજીવી બાબતે બોલાચાલી થઇ હતી. આયોજક યુવકો દ્વારા હુમલો કરનાર યુવકને પાછળના સોફા પર બેસવા માટે કહ્યું હતું. જેથી તે ઉશ્કેરાઈ ગયો હતો અને બોલાચાલી કરી હતી. જોત જોતામાં આ બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં એક વિફરેલા યુવક દ્વારા છરી વડે હુમલો કરવામાં આવતા બે થી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવના પગલે ગરબાના આયોજન સ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
ઉદ્યોગપતિના ભત્રીજા સહિત ત્રણને છરી વાગી
સમગ્ર બનાવ અંગે પાટીદાર અગ્રણી નરેન્દ્ર પટેલે જણાવ્યા અનુસાર, મહેશગિરી ગૌસ્વામી નામના યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. વિફરેલા મહેશગિરીએ કરેલા છરીના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોમાં ઉદ્યોગપતિ રાજુભાઇ પરસાણાના ભત્રીજા મૌલિક પરસાણા, અશોક ફળદુ અને હરિભાઈ સોરઠીયાને ઇજા પહોંચી હતી. ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા હુમલાખોરની અટકાયત
બનાવની જાણ થતાં પોલીસ કાફલો બનાવ સ્થળે આવી પહોચ્યો હતો. પોલીસે હુમલાખોરની અટકાયત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. પાટીદાર અગ્રણી નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આરોપી મહેશગિરી ગૌસ્વામિ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલો કરનાર મહેશગિરી કોઇ અગ્રણી જ્વેલર્સનો ડ્રાઇવર હોવાની ચર્ચા છે.
