Rajkot News: નવરાત્રિના પાવન પર્વ દરમિયાન રાજકોટના નીલ સિટી ક્લબમાં વિવાદ સર્જાયો છે. ક્લબમાં વિધર્મીઓને રોકટોક વિના પ્રવેશ આપવામાં આવતો હોવાના આક્ષેપો સાથે વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરો બુધવારે સરપ્રાઇઝ ચેકિંગ માટે પહોંચ્યા હતા. આ સમયે, ક્લબના માલિક ઇન્દ્રનીલ રાજ્યગુરુએ તેમને રોક્યા હતા અને તેમની સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આ બોલાચાલી દરમિયાન ઇન્દ્રનીલ રાજ્યગુરુએ VHPના કાર્યકરોને ભાજપના માણસો ગણાવ્યા હતા અને તેમને અપશબ્દો પણ કહ્યા હતા. વીડિયોમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ સ્પષ્ટપણે ધમકી આપતા સંભળાય છે, "અમારે ત્યાં 150 વિધર્મીઓ છે, તમે એમનો સામનો કરી શકશો?"
સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. VHPએ નવરાત્રિના આ પવિત્ર પર્વમાં ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ મૂક્યો છે. બીજી તરફ, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આ મામલાને રાજકીય રંગ આપતા જણાવ્યું કે કાર્યકરો રાજકીય બદઈરાદાથી આવ્યા છે.
નોંધનીય છે કે, બે દિવસ પહેલાં પણ આ જ ક્લબમાં અર્વાચીન ગરબા દરમિયાન અભદ્ર ગીતો વગાડવાને લઈને વિવાદ થયો હતો. આ તાજા વિવાદે નવરાત્રિના આયોજનોમાં સુરક્ષા અને ધાર્મિક પરંપરાના પાલન અંગે ફરી એકવાર મોટો પ્રશ્ન ઊભો કર્યો છે.
