Rajkot Ganeshotsav 2026: રાજકોટમાં ગણેશોત્સવ નજીક આવી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓનું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. પશ્ચિમ બંગાળના કોલકાતાથી છેલ્લા 30 વર્ષથી સતત રાજકોટ આવીને મૂર્તિઓ બનાવતા કારીગર દીપક જાના અને તેમની 25 જેટલા કારીગરોની ટીમ સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ માટીની મૂર્તિઓ બનાવી રહી છે.
માટી અને કાચા માલમાં 3 થી 4 ગણો ભાવવધારો
કારીગર દીપકભાઈના જણાવ્યા મુજબ, આ વર્ષે મોંઘવારીનો મોટો ફટકો મૂર્તિકારોને પડ્યો છે. સરકારી નિયમો અને પરવાનગીઓના કારણે માટીની અછત વર્તાઈ રહી છે. અગાઉ 3,500 પ્રતિ ટન મળતી માટી હવે GST અને અન્ય ખર્ચાઓ સાથે સીધી 10,500 થી 11,000 પ્રતિ ટન સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત, સુરત અને મુંબઈમાં ભારે વરસાદ-પૂરના કારણે મૂર્તિ બનાવવામાં વપરાતા ડાંગરના ઘાસ અને દોરી-સુતળીના ભાવ પણ ત્રણથી ચાર ગણા વધી ગયા છે.

પ્લાસ્ટર ઓફ પેરિસનો સદંતર બહિષ્કાર
કારીગરે સ્પષ્ટપણે જણાવ્યું કે, અમે કોલકાતાની વર્ષો જૂની પરંપરા મુજબ ફક્ત અને ફક્ત માટી અને કુદરતી રંગોથી જ મૂર્તિઓ બનાવીએ છીએ. અમે પ્લાસ્ટર ઓફ પેરિસનો બિલકુલ ઉપયોગ કરતા નથી.
આ વર્ષે કલેક્ટરના જાહેરનામા અને સરકારી નિયમો મુજબ 8 થી 9 ફૂટ સુધીની જ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં નવદુર્ગાના ખોળામાં બેઠેલા ગણપતિ બાપ્પા સહિતની અવનવી અને ઇન્ટરનેટ પર આધારિત લેટેસ્ટ ડિઝાઇનો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

ગ્રાહકો પર માત્ર 15થી 20 ટકાનો જ બોજ
કાચા માલના ભાવ ત્રણથી ચાર ગણા વધ્યા હોવા છતાં, ગ્રાહકોની સ્થિતિ જોતાં મૂર્તિઓના ભાવમાં માત્ર 10 થી 20 ટકા જેટલો જ વધારો કરવામાં આવ્યો છે. સાતમ-આઠમની રજાઓ પૂર્ણ થયા બાદ હવે ગણેશ મંડળો અને ભક્તો મૂર્તિઓના બુકિંગ અને ડિલિવરી માટે ભારે ઉત્સાહ સાથે ઉમટી પડશે તેવી કારીગરોને અપેક્ષા છે.
