Rajkot Earthquake News: રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, ઉપલેટા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં આજે વહેલી સવારથી ભૂકંપના આંચકાની વણઝાર જોવા મળી છે. છેલ્લા 12 કલાકમાં આ પંથકમાં એક પછી એક આંચકા અનુભવાતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ભયના માર્યા લોકો કડકડતી ઠંડીમાં પણ ઘરોની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.
સવારે 6:19 થી 8:24 સુધીમાં 7 આંચકા
ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના ડેટા અનુસાર, આજે વહેલી સવારે ભૂકંપના આંચકાનો સિલસિલો શરૂ થયો હતો. સવારે 06:19 કલાકે 3.8ની તીવ્રતાનો સૌથી જોરદાર આંચકો અનુભવાયો હતો, જેણે લોકોને ઊંઘમાંથી જગાડી દીધા હતા. ત્યારબાદ સવારે 8:34 સુધીમાં કુલ 7 આંચકા નોંધાયા હતા.
આંચકાઓની વિગતવાર માહિતી:
- ૦૬:૧૯ કલાકે: ૩.૮ તીવ્રતા (સૌથી મોટો આંચકો)
- ૦૬:૫૬ કલાકે: ૨.૯ તીવ્રતા
- ૦૬:૫૮ કલાકે: ૩.૨ તીવ્રતા
- ૦૭:૧૦ કલાકે: ૨.૯ તીવ્રતા
- ૦૭:૧૩ કલાકે: ૨.૯ તીવ્રતા
- ૦૭:૩૩ કલાકે: ૨.૭ તીવ્રતા
- ૦૮:૩૪ કલાકે: ફરી એક આંચકો અનુભવાયો
કેન્દ્રબિંદુ અને ઊંડાઈ
ISR ના રિપોર્ટ મુજબ, આ તમામ આંચકાઓનું કેન્દ્રબિંદુ મુખ્યત્વે ઉપલેટાથી 27 થી 30 કિમી પૂર્વ-ઉત્તર-પૂર્વ (ENE) દિશામાં નોંધાયું છે. ભૂકંપની ઊંડાઈ જમીનથી 6.1 કિમી થી 13.6 કિમી સુધીની રહી હતી. અગાઉ ગત રાત્રે 8:43 કલાકે પણ 3.3ની તીવ્રતાનો આંચકો આ જ વિસ્તારમાં અનુભવાયો હતો.
લોકોમાં ફફડાટ, કોઈ જાનહાનિ નહીં
સતત ધરા ધ્રૂજતી હોવાને કારણે જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકના ગ્રામીણ વિસ્તારોમાં લોકો સુરક્ષાના કારણોસર ઘરમાં રહેવાને બદલે શેરીઓમાં અને મેદાનોમાં ઉતરી આવ્યા હતા. જોકે, રાહતના સમાચાર એ છે કે આ લખાય છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મોટી મિલકતના નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
