Rajkot: શાપરમાં ઈ-ચલણની APK ફાઈલ મોકલી રૂ. 5.66 લાખની ઠગાઈ, કારખાનેદારે લિન્ક પર ક્લિક કરતાં જ પૈસા ડેબિટ થવા લાગ્યા

રાજકોટના લોધીકા તાલુકાના વેપારી અંકુરભાઈ કથીરિયા સાથે સાયબર ગઠીયાએ ટ્રાફિક મેમો ભરવાની બોગસ લિંક મોકલી રૂ. 5.66 લાખની છેતરપિંડી આચરી છે. આ અંગે રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 22 Sep 2026 03:58 PM (IST)Updated: Tue, 22 Sep 2026 03:58 PM (IST)
rajkot-cyber-fraud-factory-owner-scammed-of-rs-566-lakh-via-fake-e-challan-apk-link

Rajkot Cyber Fraud: લોધીકા તાલુકાના રાવકી GIDCમાં કારખાનું ધરાવતા અને કાંગશીયાળી ગામે રહેતા વેપારી અંકુરભાઈ કથીરિયાને સાયબર ગઠીયાએ ટ્રાફિક મેમો ભરવાની બોગસ લિંક મોકલી રૂ. 5.66ની છેતરપિંડી આચરી છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસ ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગત તારીખ 15 સપ્ટેમ્બર 2026ના રોજ અંકુરભાઈ કથીરીયા પરિવાર સાથે સુરત ખાતે સગાના પ્રસંગમાં ગયા હતા. તે દરમિયાન તેમના બિઝનેસ વોટ્સએપ નંબર પર અજાણ્યા નંબર પરથી APK Vehicle Info નામની એક સંદિગ્ધ ફાઇલ આવી હતી.

અંકુરભાઈએ આ ફાઇલ ખોલતાં તેમાં તેમની ફોરવ્હીલર કાર જીજે-03-કેસી-7490 માટે સિગ્નલ તોડવા બદલ રૂ. 2,000 નો દંડ ભરવાનું લખાણ અને ઓનલાઈન પેમેન્ટ માટેની એક લિંક દર્શાવવામાં આવી હતી.

અંકુરભાઈએ દંડ ભરવા માટે આપેલી લિંક ખોલી પ્રોસેસ શરૂ કરી હતી. જેમાં શરૂઆતમાં એક રૂપિયો કપાવવા અંગે જણાવાયું હતું. જોકે તે સમયે કોઈ રકમ કપાઈ ન હતી. જે બાદ શંકા જતાં તેમણે સુરત સાયબર યુનિટમાં ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી હતી.

બેંકમાંથી સતત મેસેજ આવતા તપાસ કરતા 13 ટ્રાન્ઝેક્શન મારફતે લાખો રૂપિયા ઉપાડી લેવાયા

સુરતથી રાજકોટ પરત આવતી વખતે મુસાફરી દરમિયાન એક પછી એક 13 ટ્રાન્ઝેક્શનથી રકમ ઉપડી ગઈ તારીખ 17 સપ્ટેમ્બર 2026ના રોજ અંકુરભાઈ પરિવાર સાથે પરત ફરી રહ્યા હતા, ત્યારે બગોદરા નજીક પહોંચતા જ તેમના મોબાઈલ પર એક પછી એક સતત બેંક મેસેજ, ફોન કોલ અને વોટ્સએપ નોટિફિકેશન આવવા લાગ્યા હતા.

તેમની IDFC બેંકની શાપર વેરાવળ શાખાના ખાતામાંથી અલગ-અલગ 13 ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. 5,66,695 ની રકમ તેમની જાણ અને મંજૂરી વગર ડેબિટ થઈ ગઈ હતી.

ઘરે પહોંચ્યા બાદ બેંક વિગતો ચકાસતાં સાયબર છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં તેમણે તુરંત નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (1930) પર ફરિયાદ નોંધાવી હતી. જે બાદ રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિધિવત લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા એપીકે ફાઈલ મોકલનાર તથા સાયબર ફ્રોડ આચરનાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો દોર સંભાળ્યો છે.