Rajkot Crime News: રાજકોટ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો હોય તેમ એક પછી એક ગંભીર ગુનાઓ સામે આવી રહ્યા છે, ત્યારે શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બનતાં ખળભળાટ મચી ગયો છે.
જેમાં કાલાવડ રોડ પર આવેલી મટુકી રેસ્ટોરન્ટની પાછળ મોટા મવા વિસ્તારમાં સ્થિત બાપા સીતારામ સોસાયટીમાં એકલા રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી મહિલાની તેના જ ઘરમાં ગળું કાપી નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે.
કાલાવડ રોડ પર મોટા મવા વિસ્તારની બાપા સીતારામ સોસાયટીમાં આવેલા મકાનમાં રહેતાં અને ઘર નજીક જ બ્યુટી પાર્લર ચલાવતા ગીતાબેન કિશોરભાઈ વાજા (55)ની તેમના જ ઘરમાં ગળું કાપી નિર્મમ હત્યા કરી નાખવામાં આવી હતી. હેર સલુન ચલાવતો અને રાતે દુકાનમાં જ સૂઈ રહેતો પુત્ર નિત્ય ક્રમ મુજબ સવારે ઘરે ન્હાવા માટે આવ્યો, ત્યારે માતાની હત્યાની જાણ થઇ.
આજે સવારે આશરે નવેક વાગ્યાના સુમારે તેમનો પુત્ર આશિષ વાજા માતાના ઘરે આવ્યો હતો. તેણે ઘરમાં પ્રવેશ કરતાં જ માતા ગીતાબેનને લોહીથી લથપથ હાલતમાં પડેલા જોતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતાને ઉઠાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પ્રતિસાદ ના મળતા તેણે 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
આ બાબતની જાણ થતાં 108ની ટીમ તેમજ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો, જ્યાં 108ના તબીબે તપાસીને ગીતાબેનને મૃત જાહેર કર્યાં હતા.
હત્યા થઈ હોવાની જાણ થતાં ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ તેમજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ કે. કે. ગોહિલ, પીએસઆઈ એસ. એન. સ્યોરા તથા ડી-સ્ટાફની ઉપરાંત એલસીબી ઝોન-2 પીએસઆઈ એસ. વી. ચુડાસમા, એએસઆઈ હરપાલસિંહ જાડેજા, જે. વી. ગોહિલ, રાજેશભાઈ તેમજ શક્તિસિંહ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બનાવ સ્થળેથી મહત્વના વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવા માટે FSLની ટીમને પણ બોલાવવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક ગીતાબેનના પતિ કિશોરભાઈ જૂનાગઢ રહે છે, જયારે પુત્ર આશિષ પણ હેર સલુનની દુકાને જ રહે છે અને રાતે ત્યાં સૂઈ જાય છે. જ્યારે તેમનો અન્ય એક પુત્ર જીતુ અમદાવાદ ખાતે રહે છે. ગીતાબેન અહીં એકલા જ રહેતા હતા. જૂનાગઢ રહેતા પતિ હાલ રાજકોટ આવ્યા હોય, તે પુત્રની હેર સલુનની દુકાને જ રહેતા હોવાની માહિતી મળી છે.
આ ઘટનાની જાણ પતિ કિશોરભાઈ પણ બાપા સીતારામ સોસાયટી ખાતે દોડી ગયા હતા. પોલીસે હાલ પિતા-પુત્ર બન્નેની વિસ્તૃત અને ગહન પૂછપરછ હાથ ધરી છે. આશિષભાઈએ પોલીસ સમક્ષ રટણ કર્યું હતું કે, તેઓ સવારે ઘરે આવ્યા ત્યારે જ માતા લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા.
હાલમાં આ ભેદી હત્યાના બનાવથી અનેક સવાલો અને શંકાઓ ઊભી થઈ છે. પોલીસે સોસાયટી તથા આસપાસના રસ્તાઓ પર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાની તજવીજ હાથ ધરી છે જેથી ઘટના સમયે મકાનમાં કોણ આવ્યું હતું તેની માહિતી મળી શકે.
DCP રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે, હાલ પ્રાથમિક તપાસમાં હત્યારા કે હત્યા પાછળના કોઈ ચોક્કસ કારણ અંગે સ્પષ્ટ વિગતો બહાર આવી નથી, પરંતુ પોલીસની વિવિધ ટીમો બનાવી અલગ અલગ દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે અને આ ભેદ ઉકેલવા ત્વરિત પ્રયાસો ચાલુ છે.
