Rajkot: રેસકોર્સ નજીકથી ધોળા દિવસે બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસ, ટોળાએ શંકાસ્પદ મહિલાને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કરી

બાળકીને ખાવાની લાલચ આપીને પોતાની પાસે બોલાવી અને પછી હાથ પકડીને લઈ જવા લાગી. જેથી બાળકીની માતા દોડી આવતા બોલી- 'આ મારી દીકરી છે'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 06 Mar 2026 08:24 PM (IST)Updated: Fri, 06 Mar 2026 08:24 PM (IST)
rajkot-crime-news-woman-allegedly-attempts-to-kidnap-child-near-racecourse-ring-road
HIGHLIGHTS
  • સૌરાષ્ટ્રમાં બાળક ચોરતી કોઈ ગેંગ સક્રિય નથી, લોકો કાયદો હાથમાં ના લેઃ પોલીસ
  • મહિલાની પૂછપરછ શરૂ, તે અલગ-અલગ 10 સરનામાં જણાવી રહી છે

Rajkot: રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આજે ધોળે દિવસે એક ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં એક શંકાસ્પદ મહિલાએ 5 વર્ષની બાળકીને લલચાવીને અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ થયો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

જોકે, બાળકીની સતર્કતા અને સ્થાનિકોની ત્વરિત કાર્યવાહીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિકો દ્વારા અપહરણની આશંકાએ મહિલાને માર મારવામાં આવ્યો હતો. જે બાદ આ અંગે જાણ કરાતા પોલીસ દોડી ગઈ હતી અને હાલ આ મામલે મહિલાની અટકાયત કરી ઊંડી તપાસ હાથ ધરી છે.

Morbi: રફાળેશ્વરમાં યુવકની ઘાતકી હત્યા, મિત્રોએ ધારદાર લાદીના આડેધડ ઘા ઝીંકી રહેંસી નાંખ્યો

રેસકોર્સ રિંગ રોડ પર મજૂરી કામ કરતા અને રમકડાં વેચીને ગુજરાન ચલાવતા એક પરિવારની 5 વર્ષની માસૂમ બાળકી પાસે એક અજાણી મહિલા આવી હતી. બાળકીની માતા બીનાબેનના જણાવ્યા અનુસાર, તે જ્યારે પોતાનો વેપાર કરી રહ્યા હતા, ત્યારે આ મહિલાએ તેમની દીકરીને ખાવાની લાલચ આપી હતી. મહિલા પાસે એક થેલી હતી જેમાં ધાણી, ભૂંગળા અને અન્ય નાસ્તો હતો. આ નાસ્તો બતાવીને મહિલાએ બાળકીને પોતાની પાસે બોલાવી અને અચાનક તેનો હાથ પકડી લઈ જવા કોશિશ કરી હતી.

બાળકીએ ગભરાઈને બૂમાબૂમ કરવાનું શરૂ કરતા પોતે દોડી ગયા હતા. જે બાદમાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. મેં જ્યારે મારી દીકરીને છોડાવવા પ્રયાસ કર્યો ત્યારે તે મહિલા કહેવા લાગી કે, આ તો મારી દીકરી છે. આ સાંભળીને આસપાસના શ્રમિકો અને રાહદારીઓ પણ એકઠા થઈ ગયા હતા. આ મહિલાની હિલચાલ શંકાસ્પદ જણાતા લોકોએ તેને પકડી રાખી હતી. અને બાદમાં પોલીસ આવતા તેણીને પોલીસના હવાલે કરવામાં આવી હતી.

હાલ પોલીસે તપાસ કરતા તેમની પાસેથી ગીર સોમનાથ જિલ્લાના અનેક ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. તેમજ તેમની પૂછપરછ દરમ્યાન અલગ અલગ જેટલા 10 એડ્રેસ બોલી રહી હતી. હાલ મહિલાની માનસિક સ્થિતિ અને તેના ભૂતકાળના રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

‘બાળકો ચોરતી ગેંગ’ સક્રિય થયાના મેસેજ વાયરલ, લોકો કાયદો હાથમાં ન લે: ડીસીપી બાંગરવા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા ઉપર ’બાળકો ચોરતી ગેંગ’ સક્રિય હોવાના મેસેજ અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરતા રાજકોટ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં હાલ આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં શંકાના આધારે નિર્દોષ લોકોને માર મારવામાં આવી રહ્યો છે.

હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે કોઈએ પણ કાયદો હાથમાં લેવો નહીં. જો તમને કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો. બાંગરવાએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, અત્યાર સુધી રાજકોટ પોલીસની તપાસમાં બાળકોના અપહરણની કોઈ સત્તાવાર ગેંગ સક્રિય હોય તેવું બહાર આવ્યું નથી. સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ભ્રમથી દૂર રહેવા તેમણે ખાસ તાકીદ કરી હતી.