રાજકોટમાં દાદાગીરી: 'હું PSIનો છોકરો છું' કહી મોડી રાત્રે મહિલા વેપારીની દુકાન પર કર્યો પથ્થરમારો, 3 સામે FIR

રાજકોટના એરપોર્ટ ફાટક પાસે ફટાકડા ફોડવા બાબતે 'PSIનો પુત્ર છું' કહી દુકાન પર પથ્થરમારો કરનાર અભિજીત પરમાર, કામિલ સંધિ સહિત ૩ સામે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 10 Nov 2026 12:56 PM (IST)Updated: Tue, 10 Nov 2026 12:56 PM (IST)
rajkot-crime-news-psi-son-activa-assault-mobile-shop-stone-pelting-pradhyuman-nagar-police-fir

Rajkot Crime News: રાજકોટ શહેરમાં આવારા તત્વોની દાદાગીરીનો એક ચોંકાવનારો અને ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ત્યારે શહેરના એરપોર્ટ ફાટક નજીક દિવાળીના તહેવારની મોડી રાત્રે દુકાન બહાર ફટાકડા ફોડવા બાબતે એક ઈસમે પોતે PSIનો દીકરો હોવાની ઓળખ આપીને મહિલા અને તેના સાથીદાર સાથે વિવાદ ઉભો કર્યો હતો. ત્યારબાદ આરોપીએ તેના સાગરીતો સાથે ભેગા મળીને મોબાઈલની દુકાન પર પથ્થરમારો કરીને ભારે તોડફોડ મચાવી હતી. સમગ્ર મામલે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શું છે સમગ્ર ઘટના

મળતી વિગત મુજબ, એરપોર્ટ ફાટક નજીક ફરિયાદી ગુંજનબેન ગણાત્રા 9 નવેમ્બરની મોડી રાત્રે અંદાજે 2 વાગ્યે ફટાકડા ફોડી રહ્યા હતા. તેમની સાથે તેમનો સ્ટાફ અને બિઝનેસ પાર્ટનર અનિકેત ખખ્ખર પણ હાજર હતા. તે દરમિયાન એક એક્ટિવા પર સવાર થઈને એક શખ્સે ફટાકડા ફોડવા પર વાંધો ઉઠાવીને ફટાકડા કેમ ફોડો છો? તેમ કહીને વિવાદ સર્જ્યો હતો. ત્યારબાદ તેણે થોડી વાર ફરી આવીને હું પીએસઆઈનો છોકરો છું અભિજીત પરમાર... તેમ કહીને રોફ જમાવવા લાગ્યો હતો.

જ્યારે મહિલાના બિઝનેસ પાર્ટનરે પોતાનો ફોન કાઢીને જ્યારે રેકોર્ડિંગ શરુ કર્યું તો શખ્સ ત્યાંથી જતો રહ્યો હતો. પરંતુ થોડી વાર રહીને તેણે ત્રીજો વ્યક્તિ મોકલીને માથાકૂટ શરુ કરાવી હતી. ત્યારબાદ મુખ્ય આરોપી અને તેની સાથે બીજો વ્યક્તિ આવીને પથ્થર અને ફૂટપાથના બ્લોક ઝીંકી દુકાન પર હુમલો કર્યો હતો.

પોલીસ વાન જોઈ આરોપીઓ નાસી ગયા

હુમલાખોર શખ્સોએ બેફામ ગાળો ભાંડીને ઝપાઝપી કરી હતી જ્યારે મહિલા વેપારીએ 112 હેલ્પલાઈનનો સંપર્ક આવ્યો તો લાઈન સતત વ્યસ્ત આવી રહી હતી. આ ગાળા દરમિયાન 112 નંબરની પોલીસ ગાડી પસાર થઈ ગઈ હતી. હુમલાખોરો ખૂબ જ બેફામ બનીને હાથાપાઈ પર ઉતરી ગયા હતા. પરંતુ જ્યારે પોલીસવાન સ્થળ પર પહોચી ત્યાં સુધીમાં આરોપીઓ ભાગી ગયા હતા.

FIR નોંધાવા પહોંચ્યા ને પાછળથી ફરી હુમલો

ઘટના બાદ મહિલા વેપારી જ્યારે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચ્યા, ત્યારે દુકાને હાજર તેમના પાર્ટનરના પત્ની સીમાબેને ફોન પર જાણ કરી હતી કે આ લુખ્ખા તત્વોએ ફરીથી આવી દુકાન પર પથ્થરમારો કર્યો છે. પોલીસ પુત્ર હોવાનો રોફ જમાવી સામાન્ય નાગરિકોને ધમકાવવા અને જાહેર શાંતિનો ભંગ કરવા મામલે પ્રદ્યુમનનગર પોલીસે અભિજીત પરમાર, કામિલ સંધિ તેમજ એક અજાણ્યા શખ્સ સામે વિધિવત ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.