Rajkot: Ph.Dની છાત્રાને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી, 5 વર્ષ શોષણ કરી ગર્ભપાત કરાવનાર જેતપુરના પ્રેમીની ધરપકડ

ચોટીલામાં માતાજીની સાક્ષીએ યુવતીના સેંથામાં સિંદુર પૂરી પત્ની તરીકે સ્વીકારી, પરંતુ જ્યારે કાયદેસરની લગ્ન કરવાની વાત આવી ત્યારે ગલ્લાતલ્લા કરીને આખરે Sorryનો મેસેજ મોકલીને યુવતીનો નંબર બ્લોક લિસ્ટમાં નાંખી દીધો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 24 Aug 2026 08:29 PM (IST)Updated: Mon, 24 Aug 2026 08:29 PM (IST)
rajkot-crime-news-phd-student-sexually-exploited-on-pretense-of-marriage-boyfriend-arrest
HIGHLIGHTS
  • માસ્ટર ડિગ્રી પૂરી થતાં લગ્ન કરીશું કહીને કિસનપરાની હોટલમાં લઈ જઈ શરીર સબંધ બાંધ્યા

Rajkot Crime News: શહેરમાં શિક્ષણ જગતને લજવતો અને યુવતીઓને ચેતવણી આપતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટમાં Ph.Dનો અભ્યાસ કરતી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજારવાના આરોપસર પોલીસે જેતપુરના ચિંતન મકવાણા નામના શખ્સની ધરપકડ કરી છે.

આરોપીએ યુવતીને ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવ્યો હતો અને ચોટીલામાં માતાજીની સાક્ષીએ સેંથો પૂર્યો હોવા છતાં કાયદેસરના લગ્ન કરવાથી અંતે હાથ ઊંચા કરી દીધા હતા.


વર્ષ 2021માં જેતપુરની કોલેજમાં બંનેનો પરિચય થયો હતો. લગ્નની ખાતરી આપી રાજકોટની હોટલોમાં અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા. જુલાઈ 2024માં યુવતી ગર્ભવતી બનતા દવા આપી ગર્ભપાત કરાવ્યો. ચોટીલા મંદિરે સેંથો પૂરી પત્ની તરીકે સ્વીકારી, પણ કોર્ટ મેરેજના સમયે બહાના કાઢ્યા. વોટ્સએપ પર માફી માંગી નંબર બ્લોક કરી દેતા પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી.

મૂળ જૂનાગઢ જિલ્લાની અને હાલ રાજકોટમાં રહીને ખાનગી શો-રૂમમાં નોકરી સાથે જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી Ph.D. કરી રહેલી પીડિતા અગાઉ જેતપુરમાં ભણતી હતી.

પોલીસ ફરિયાદ મુજબ, વર્ષ 2021માં જેતપુરની એક કોલેજમાં BAના અભ્યાસ દરમિયાન B.Comમાં ભણતા ચિંતન મકવાણા સાથે તેનો પરિચય થયો હતો. ફોન અને સોશિયલ મીડિયા થકી શરૂ થયેલો આ પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો. જે બાદ બન્ને અવારનવાર બાઈક પર ફરવા જતા હતા.

વર્ષ 2022માં યુવતી વધુ અભ્યાસ અર્થે રાજકોટ આવી, ત્યારે પણ ચિંતન તેને મળવા આવતો હતો. આરોપીએ પોતાનું માસ્ટર ડિગ્રીનું શિક્ષણ પૂરું થયા બાદ લગ્ન કરવાની ખાતરી આપી હતી. આ વિશ્વાસને આધારે ફેબ્રુઆરી 2023માં રાજકોટના કિસાનપરા ચોક પાસે આવેલી એક હોટલમાં આરોપીએ યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જે બાદ આ સિલસિલો યથાવત રહ્યો હતો.

જુલાઈ 2024માં યુવતીને બે માસનો ગર્ભ રહી જતાં ચિંતને તેને ગર્ભપાતની દવા મોકલાવી હતી. સંબંધો જાળવી રાખવા વર્ષ 2025માં બંને જ્યારે ચોટીલા ફરવા ગયા, ત્યારે ચિંતને યુવતીનો સેંથો પૂરી માતાજીની સાક્ષીમાં તેને પત્ની તરીકે સ્વીકારી હતી. જ્યારે કાયદેસરના લગ્નની વાત આવતી, ત્યારે તે અવનવા બહાના કાઢીને સમય પસાર કરતો હતો.

ઓગસ્ટ 2026માં બંનેએ વડિયા ખાતે વકીલને મળી કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યું હતું. ચિંતનના કહેવાથી યુવતી નવાગઢ પહોંચી, પણ ત્યાં ચિંતનનો પરિવાર આવી જતાં તે પરત રાજકોટ ફરી હતી. જે બાદ યુવતીએ ચિંતનને ગોંડલ ચોકડીએ બોલાવ્યો, જ્યાંથી ચિંતન તેને જેતપુર પોતાના ઘરે લઈ જવાને બદલે કોઈ સંબંધીના ઘરે લઈ ગયો અને લગ્ન માટે વધુ બે-ત્રણ દિવસનો સમય માંગ્યો.

આખરે આરોપી ચિંતને પીડિતાને વોટ્સએપ પર માફીનો મેસેજ મોકલી તેનો નંબર બ્લોક કરી દીધો હતો. પોતાની સાથે થયેલી છેતરપિંડીનો અહેસાસ થતાં પીડિતાએ પોલીસનું શરણું લીધું હતું. હાલ પોલીસે ગુનો નોંધી આરોપી ચિંતન મકવાણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.