Rajkot News:ગાંધીનગર સચિવાલયના શ્રમ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી જેતપુરના કારખાનેદારને બ્લેકમેઇલ કરવા અને જેલહવાલે કરી દેવાની ધમકી આપીને વહીવટના નામે નાણાં પડાવનાર શાતિર ગઠિયાને રાજકોટ ગ્રામ્ય એલસીબી અને જેતપુર ઉદ્યોગનગર પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો છે.
જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ચાઇલ્ડ લેબર એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ જામીન પર મુક્ત થયેલા એક કારખાનેદારને 26 મે 2026ના રોજ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ ગાંધીનગર સચિવાલયના ’શ્રમ અધિકારી ડી. કે. પટેલ’ તરીકે આપી હતી. તેણે ધમકી આપી હતી કે તમારા કારખાનામાંથી 8 બાળમજૂરો પકડાયાનો રિપોર્ટ આવ્યો છે અને કારખાનુ સીલ કરવાની ક્લોઝર નોટિસ મોકલવાની થાય છે. જો હળવો રિપોર્ટ બનાવવો હોય તો રૂૂ. 40,000નો વહીવટ કરવો પડશે.
ત્યારબાદ 28 મેના રોજ આ ભળતો શ્રમ અધિકારી રૂબરૂ જેતપુર ખાતે કારખાનેદારને મળવા આવ્યો હતો. તેણે કારખાનેદારને ડરાવતા કહ્યું કે, "તમે બાળકોની તસ્કરી કરીને 20-20 કલાક મજૂરી કરાવો છો અને પૂરતું ખાવાનું પણ નથી આપતા. ભૂખમરાથી બાળકોનું મૃત્યુ થાય તેવી સ્થિતિ છે, જેથી કેસમાં ગંભીર કલમો ઉમેરી તમારો આખો પરિવાર જેલમાં જાય તેવો રિપોર્ટ કરીશ." આથી ગભરાઈ ગયેલા કારખાનેદારે તે સમયે રોકડા રૂપિયા 10,000 આપી દીધા હતા અને બાકીના પૈસા આંગડિયા મારફતે મોકલવાનું નક્કી થયું હતું.
નકલી અધિકારીએ નાણાં પડાવ્યા બાદ ફોન ઉપાડવાનું બંધ કરી દેતાં કારખાનેદારને ઠગાઈનો અહેસાસ થયો હતો. આ અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર અને નાયબ પોલીસ અધિક્ષક વી. જે. વ્યાસના માર્ગદર્શન હેઠળ ઉદ્યોગનગર પીઆઈ એસ. એચ. શર્મા તથા એલસીબી પીઆઈ જે. પી. રાવની ટીમે તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે પોલીસે અમદાવાદ ખાતેથી ઈસનપુરના રાજેશ ઉર્ફે રાજુ ઉર્ફે ચકો નરેન્દ્રભાઈ ત્રિવેદી (ઉં.વ. 50) ને દબોચી લીધો હતો. રાજકોટ ગ્રામ્ય એલસીબી અને જેતપુર ઉદ્યોગનગર પોલીસની સફળ કામગીરીથી આવા નકલી અધિકારી બની વેપારીઓને બ્લેકમેઇલ કરતા મોટો રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
