Rajkot News:ગોંડલમાં ભોજરાજપરા વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ મામાદેવના મંદિરમાંથી મોડી રાત્રે બે અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને લાખો રૂૂપિયાની કિંમતના ચાંદીના છત્તરની ચોરી કરી હોવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. મંદિરની દીવાલ કૂદીને અંદર ઘૂસેલા તસ્કરોએ તાળું તોડી આશરે 100 જેટલા ચાંદીના છત્તરની ચોરી કરી ફરાર થઈ ગયા છે.
આ અંગે ગોંડલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા ચોર ઇસમો સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.
આ મામલે ગોંડલના ભોજરાજપરા શેરી નં.13/30, કુંભાર વાડી સામે રહેતા વેપારી મયુરભાઇ ચંદુલાલ દેસાણી દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ભોજરાજપરા -31 કુંભારવાડા વિસ્તારમાં આવેલા મામાદેવના મંદિરમાં રાત્રિના સમયે આ ચોરીની ઘટના આકાર પામી હતી.
રાત્રિના ગાઢ અંધકાર અને શાંતિનો લાભ ઉઠાવી બે અજાણ્યા ચોર ઇસમો મામાદેવના મંદિરની દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા. ત્યારબાદ તસ્કરોએ ગુપ્ત રીતે ગૃહ અપપ્રવેશ કરી મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યાં બિરાજમાન મામાદેવની મૂર્તિ પર ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક ચઢાવવામાં આવેલા આશરે 100 જેટલા ચાંદીના છત્તર તસ્કરોએ ઉઠાવી લીધા હતા. ચોરાયેલા આ ચાંદીના છત્તરનું કુલ વજન આશરે 1 કિલોગ્રામ જેટલું થાય છે, જેની બજાર કિંમત આશરે રૂૂ. 1,50,000 અંકાય છે.
મંદિરમાં ચોરી કરીને બે અજાણ્યા ઇસમો રાત્રિના અંધારાનો લાભ ઉઠાવી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે ચોરી થવાની જાણ થઈ ત્યારે આસપાસના વિસ્તારમાં અને ભક્તોમાં ભારે અરેરાટી સાથે રોષની લાગણી વ્યાપી ગઈ હતી. ઘટના અંગે તુરંત જ પોલીસને જાણ કરવામાં આવતા ગોંડલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
આ મામલે મયુરભાઇ દેસાણીની ફરિયાદના આધારે ગોંડલ પોલીસે અજાણ્યા બે ચોર ઇસમો સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે મંદિર પરિસર તેમજ આસપાસના માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાની સાથે તસ્કરોનું સુરાગ મેળવવા દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. ધાર્મિક સ્થળ પર થયેલી આ ચોરીના પગલે તસ્કરોને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમ બનાવી આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.
