Rajkot Crime News: શહેરમાં એક ચકચાર જગાવતી ઘટના પોલીસ સુધી પહોંચી હતી, જેમાં 12 વર્ષની બાળાને કેટરિંગમાં કામે લઇ જવાને બહાને એક મહિલાએ તેણીને માંડાડુંગર વિસ્તારના એક મકાનમાં લઇ જઇ ત્યાં બીજી મહિલાની મદદથી ગોંધી રાખી તેની પાસે બળજબરીથી દેહવેપલો કરાવતાં આજીડેમ પોલીસે ગુનો નોંધી બંને મહિલાની ધરપકડ કરી છે.
બાળા પાસે અલગ અલગ ગ્રાહક મારફત શરીર સંબંધ બંધાવી તેના બદલામાં તેને પાંચસો રૂપિયા આ મહિલા આપતી હતી. બાળાના પડોશમાં રહેતાં મહિલા બાળાને મહિલા સાથે જતી જોઇ જતાં તેણીના વાલીને વાત કરતાં પર્દાફાશ થયો છે.
ભોગ બનનાર બાળાના માતાની ફરિયાદ પરથી પોક્સો, ધ ઇમ્મોરલ ટ્રાફિકીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બે મહિલા રેખાબેન સાગઠીયા (29) તથા અલ્પાબેન ઉર્ફે ભુરીબેન ગળચર (43)ને પકડી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ, ફરિયાદીની 12 વર્ષની દીકરી 14મીના રોજ સવારે 11 વાગ્યા આસપાસ ઘર નજીક આવેલી દુકાને ગયા બાદ ગાયબ થઇ હતી. પરિવારજનોએ શોધખોળ શરૂ કરી ત્યારે પડોશી મહિલાએ જાણ કરી હતી કે, તમારી દીકરી દાદાના ઘરે નથી ગઇ પણ રેખાબેન નામની મહિલાની સાથે જતી જોવા મળી છે.
પરિવારજનોએ દીકરીની શોધખોળ શરૂ કરી હતી, એ દરમિયાન તેણીને સાંજે રેખાબેન ઘરે મૂકી ગઈ હતી અને તેની માતાને કેટરિંગના કામમાં લઈ ગઈ હોવાનું કહી રૂ. 500 આપી જતી રહી હતી.
માતાને શંકા ઉપજતાં દીકરીને ફોસલાવીને સાચી હકીકત જણાવવાનું કહેતાં તેણીએ કહ્યું હતું કે, પોતે ઘર નજીક દુકાને જતી હતી, ત્યારે રેખાબેન સાગઠીયાએ તેને રોકી હતી અને તારે કેટરિંગના કામમાં આવવુ છે તેમ પુછતાં તેણીએ હા પાડતા રેખાબેન તેને ચાલીને ગોંડલ ચોકડી તરફ લઈ ગઈ હતી. જ્યાંથી રિક્ષામાં બેસાડી આજીડેમ ચોકડી પહોંચાડયા બાદ એક યુવક એક્ટિવા લઈને આવ્યો હતો, જે બંનેને માંડાડુંગર વિસ્તારમાં આવેલા એક મકાને લઈ ગયો હતો.
અહી રેખાબેન અને તેની પરિચીત અલ્પાબેન ઉર્ફે ભુરીએ અલગ અલગ ચાર વખત મકાનમાં ગોંધી રાખી હતી અને આ બાળા પાસે ગ્રાહકો મોકલી તેની પાસે દેહવેપલો કરાવ્યો હતો. ગ્રાહક દીઠ બાળાને રૂપિયા પાંચસો પણ આ મહિલાઓએ ચુકવ્યા હતાં.
આ અંગે સગીરાના પરિવારે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં આજીડેમ પી.આઈ. એચ. એન. પટેલ, પીએસઆઈ ડી. કે. ધાંધલા અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી ગુનો નોંધી બંને મહિલાની ધરપકડ કરી સગીરા સાથે સંબંધ બાંધનારાઓની સામે પણ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.
