Rajkot: રાજકોટ નજીક આવેલા મેટોડા GIDC વિસ્તારમાં શ્રમિક પરિવારની સાડા છ વર્ષની માસૂમ બાળકીના અપહરણની ઘટના સામે આવી છે. જો કે સ્થાનિક પોલીસની સમયસૂચકતા અને ત્વરિત કાર્યવાહીના કારણે બાળકી દુષ્કર્મનો ભોગ બને, તે પહેલા જ આરોપી ઝડપાઈ ચૂક્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઘર પાસે રમી રહેલી સાડા છ વર્ષની બાળકીને એક શખ્સે આઈસક્રીમ અપાવવાની લાલચ આપી હતી. જે બાદ બદકામ કરવાના ઈરાદે બાળકીનું અપહરણ કરી ચાલીને આશરે 2 કિલોમીટર દૂર નિર્જન વિસ્તારમાં લઈ ગયો હતો. આ બનાવ અંગે પરિવાર દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે એક્શન મોડમાં આવીને સઘન તપાસ શરૂ કરી હતી.
પોલીસ કાફલો બાળકીની શોધખોળ કરી રહ્યો હતો તે દરમિયાન એક ઝાડી-ઝાંખરા વાળા વિસ્તારમાંથી બાળકીના રડવાનો અવાજ સંભળાયો હતો. પોલીસે તુરંત તે દિશામાં દોડી જઈને તપાસ કરતા આરોપી બાળકી સાથે કઢંગી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે સમયસૂચકતા વાપરીને નરાધમને રંગેહાથ ઝડપી લીધો હતો અને બાળકીને તેની ચુંગાલમાંથી સુરક્ષિત રીતે મુક્ત કરાવી લીધી હતી.
પોલીસની આ સરાહનીય અને ઝડપી કામગીરીને કારણે માસૂમ બાળકીનો જીવ બચી ગયો છે અને નરાધમ આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે, જેની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
