Rajkot: વિંછીયાના છાસિયા ગામે યુવતી ભાગી જતાં બબાલ, પરિવારજનોએ યુવકનું ઘર આગને હવાલે કર્યું

વિંછીયા તાલુકાના છાસિયા ગામનો વિજય નામનો યુવક બે દિવસ પહેલા જ ગામની એક યુવતીને ઘરેથી ભગાડી ગયો હતો. જેનો ખાર રાખીને યુવતી પક્ષના 20થી વધુ લોકો ધારિયા સહિતના ઘાતક હથિયારો લઈને યુવકના ઘર પર હુમલો કર્યો હતો. આ મામલે 20થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જ્યારે 10 લોકોની અટકાયત કરવામાં આવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 03 Nov 2026 10:44 PM (IST)Updated: Tue, 03 Nov 2026 10:44 PM (IST)
rajkot-crime-house-set-on-fire-over-elopement-in-chhasiya-village-10-apprehended


Rajkot: રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના છાસિયા ગામમાં યુવતીને ભગાડી જવાના મામલે જૂથ અથડામણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. યુવતીને ભગાડી જવાના બનાવનો ખાર રાખીને યુવતી પક્ષના ટોળાએ યુવકના ઘર પર હુમલો કરી મકાનને આગ ચાંપી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બનાવને પગલે સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, છાસિયા ગામનો વિજય રાઘવભાઈ શેખ બે દિવસ પહેલાં ગામની જ એક યુવતીને ભગાડી ગયો હતો. આ ઘટનાને લઈને બંને પરિવારો વચ્ચે સમાધાન કરાવવા માટે વાતચીત ચાલી રહી હતી. જો કે સમાધાન થાય તે પહેલાં જ મોડી રાત્રે મામલો ઉગ્ર બન્યો હતો.

યુવકના પરિવારના આક્ષેપ મુજબ, યુવતી પક્ષના 20થી વધુ લોકો ધારિયાં અને તલવાર જેવાં ઘાતક હથિયારો સાથે યુવકના ઘરે ધસી આવ્યા હતા. ટોળાએ યુવતીને હાજર કરવાની માંગ કરી હતી. જો કે યુવતી ઘરે ન મળી આવતાં ઉશ્કેરાયેલા ટોળાએ ઘરના નળિયાં તોડી નાખ્યાં હતાં. જે બાદ મકાન પર પેટ્રોલ અને ડીઝલ છાંટીને આગ લગાવી દેવામાં આવી હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ ઘટનાને પગલે યુવકના પરિવારે વિંછીયા પોલીસ મથકમાં 20થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી ગણતરીના કલાકોમાં 10 શંકાસ્પદ લોકોને ઝડપી પાડ્યા છે.