રાજકોટ APMC દ્વારા તહેવારો દરમિયાન રજાની જાહેરાત, જાણો કઈ તારીખે બંધ રહેશે ખરીદ-વેચાણ

રાજકોટ માર્કેટયાર્ડના વિવિધ વિભાગોમાં 7 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી ખરીદ-વેચાણ બંધ રહેશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 03 Nov 2026 09:25 PM (IST)Updated: Tue, 03 Nov 2026 09:25 PM (IST)
rajkot-apmc-market-yard-diwali-new-year-holiday-2026-schedule-main-yard-sub-yards

Rajkot APMC Diwali Holidays: દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજકોટના શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા માર્કેટ યાર્ડમાં રજાઓ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. તહેવારો દરમિયાન ખરીદ-વેચાણની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે રાજકોટ APMC દ્વારા સત્તાવાર પ્રેસનોટ મારફતે ખેડૂતો, વેપારીઓ અને કમિશન એજન્ટોને જાણ કરવામાં આવી છે.

રાજકોટ APMC દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, બેડી ખાતે આવેલ મુખ્ય યાર્ડમાં તારીખ 7 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી ખરીદ-વેચાણની કામગીરી બંધ રહેશે. જ્યારે રાજકોટના શાકભાજી વિભાગના સબ યાર્ડમાં તારીખ 8 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવી છે.

આ ઉપરાંત બટેટા વિભાગના સબ યાર્ડમાં તારીખ 8 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી ખરીદ-વેચાણ બંધ રહેશે. જ્યારે ડુંગળી વિભાગના સબ યાર્ડમાં તારીખ 8 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી રજા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ APMC ના સત્તાધીશોએ ખેડૂતોને ખાસ અપીલ કરી કે જાહેર કરાયેલા રજાના સમયગાળા દરમિયાન ખેડૂતો પોતાનો માલ વેચાણ માટે માર્કેટ યાર્ડમાં લઈને ન આવે, જેથી તેમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે. તહેવારો દરમિયાન યાર્ડમાં ખરીદ-વેચાણની કામગીરી બંધ રહેવાની હોવાથી ખેડૂતો અને વેપારીઓએ અગાઉથી પોતાની વ્યવસ્થા કરી લેવા પણ સૂચના આપવામાં આવી છે.