Rajkot: રીલ્સનો શોખ બન્યો કાળ, જેતપુર નજીક 118ની સ્પીડે દોડતી કારનો ભયાનક અકસ્માત; 20 વર્ષીય 2 યુવકના મોત, 1 ગંભીર

અકસ્માતના ગણતરીના સમય પહેલા જ યુવકોએ ઇન્સ્ટાગ્રામ રીલ અપલોડ કરી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 15 Mar 2026 10:56 AM (IST)Updated: Sun, 15 Mar 2026 11:07 AM (IST)
rajkot-car-accident-speeding-at-118-near-jetpur-boy-dies-2-seriously-injured
HIGHLIGHTS
  • ઇન્સ્ટાગ્રામ રીલ્સનો ક્રેઝ બન્યો જીવલેણ
  • 118 ની સ્પીડે કાર ડિવાઈડર સાથે અથડાઈ
  • જેતપુરમાં 20 વર્ષીય 2 યુવાનોના મોત થયા

Jetpur Verna car accident: રાજકોટ-પોરબંદર હાઈવે પર જેતપુર નજીક પેઢલા ચોકડી પાસે એક અત્યંત ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો છે. સોશિયલ મીડિયા પર રફ્તાર બતાવવાનો શોખ યુવાનો માટે કેટલો ભયાનક બની શકે છે, તેનો આ તાજો દાખલો છે. જેમાં રીલ બનાવવાની ઘેલછામાં કારનો અકસ્માત થતા 2 યુવકના મોત થયા છે.

118ની સ્પીડે દોડતી કારનો અકસ્માત

ઇન્સ્ટાગ્રામ પર રીલ પોસ્ટ કર્યાની ગણતરીની મિનિટોમાં જ 118 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી નવીનક્કોર વર્ના કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કાર ચલાવતા 20 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય 2 મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેમાં એકનું સારવાર દરમિયાન મોત થયું.

ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ કાર

પ્રાપ્ત વિગતો અનુસાર, કાળા રંગની નવી નકોર વર્ના કાર, જેના પર 'એપ્લાય ફોર રજીસ્ટ્રેશન' લખેલું હતું, તે જેતપુરથી ધોરાજી તરફ પૂરપાટ ઝડપે જઈ રહી હતી. બાલકૃષ્ણ ફાર્મ પાસે પહોંચતા ચાલકે અચાનક કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે કાર ડિવાઈડર અને ફાર્મની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

20 વર્ષીય 2 યુવાનના મોત, 1 ઈજાગ્રસ્ત

અકસ્માત એટલો ભીષણ હતો કે કારના ફૂરચે-ફૂરચાં ઉડી ગયા અને બોનેટ તેમજ પાછળનું ટાયર ઉખડીને દૂર ફંગોળાઈ ગયા હતા. આ ભયાનક અકસ્માત સમયે કારમાં કુલ 3 મિત્રો સવાર હતા. જેમાંથી અવધ તિવારીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત 20 વર્ષીય દેવરાજ જયેશ ગોસાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું. અક્ષય પ્રવિણ વાઘેલા જેતપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

રિલ્સ પોસ્ટ કર્યાની ગણતરીની મિનિટોમાં મોત

આ અકસ્માતની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ઘટનાના ગણતરીના સમય પહેલા જ આ યુવકોએ કાર 118 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવતા હોવાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર અપલોડ કર્યો હતો. અવધે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર "મોં માં હોય હોંકારો, ભેળો હોય ભાઈ મારો, જીવવું છે વટમાં, નથી જગની સામે ઝૂંકવું..." ગીત સાથે આ રીલ પોસ્ટ કરી હતી.

મૃતક યુવકની ઓળખ 20 વર્ષીય અવધ અરવિંદ તિવારી તરીકે થઈ છે. નોંધનીય છે કે, પોલીસ રેકોર્ડ અનુસાર મૃતક યુવક અવધ તિવારી વિરુદ્ધ અગાઉ પાસા, મારામારી અને અપહરણ જેવા ગંભીર ગુનાઓ પણ નોંધાયેલા છે. સોશિયલ મીડિયા પર આ રીતે વટ બતાવવાનો અને રફ્તારનો આ ક્રેઝ અંતે જીવલેણ સાબિત થયો હતો.

ઇજાગ્રસ્તોની હાલત અને પોલીસ કાર્યવાહી 

આ ઘટનાની જાણ થતા જ જેતપુર ઉદ્યોગનગર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. PI એમ. એમ. ઠાકોરે જણાવ્યું કે, કારચાલકે નિયંત્રણ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ક્ષતિગ્રસ્ત વાહનને હટાવીને હાઈવે પરનો ટ્રાફિક હળવો કર્યો અને અકસ્માત અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.