રાજકોટ ભાજપમાં ડેમેજ કંટ્રોલઃ ટિકિટ ફાળવણીના રોષને ડામવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટ આવશે

ટિકિટની વહેંચણી બાદ શહેરના વોર્ડ નંબર 3 અને 13માં આગેવાનો અને કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. નેતાઓની નારાજગીથી પાર્ટીને જ નુક્સાનની ભીતિ સેવાતા હાઈકમાન્ડ હરકતમાં.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 11 Apr 2026 06:35 PM (IST)Updated: Sat, 11 Apr 2026 06:35 PM (IST)
rajkot-bjp-in-damage-control-mode-jagdish-vishwakarma-to-visit-amid-ticket-row
HIGHLIGHTS
  • બહુમાળી ચોક ખાતે જાહેર સભાનું આયોજન
  • પ્રદેશ પ્રમુખ નારાજ નેતાઓ સાથે બેઠક કરશે

Rajkot: સ્થાનિક ચૂંટણીઓમાં ટિકિટ ફાળવણી બાદ રાજકોટ ભાજપમાં ભડકેલો અસંતોષ શાંત કરવા માટે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. ટિકિટ ન મળવાથી નારાજ થયેલા પૂર્વ કોર્પોરેટરો અને કાર્યકરોનો રોષ ડામવા માટે પ્રદેશ નેતૃત્વએ સીધું મેદાનમાં ઉતરવું પડ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડેમેજ કંટ્રોલના ભાગરૂપે આવતીકાલે રાજકોટના બહુમાળી ચોક ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને લઈને સ્થાનિક સંગઠન દ્વારા પોલીસ અને વહીવટી તંત્ર પાસે જરૂરી મંજૂરી પણ માંગી લેવામાં આવી છે.

તાજેતરમાં જાહેર થયેલી ઉમેદવારોની યાદી બાદ પાર્ટીમાં આંતરિક કલહ સપાટી પર આવ્યો છે. અનેક પૂર્વ કોર્પોરેટરો તેમજ પૂર્વ મંત્રીઓ દ્વારા પોતાના પુત્ર, પત્ની કે પરિવારના અન્ય સભ્યો માટે ટિકિટની માંગણી કરવામાં આવી હતી. પક્ષ દ્વારા કેટલાક નેતાઓના પરિવારજનોને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે કેટલાકના પરિવારમાં ટિકિટ ન ફાળવાતા તેઓ ખુલ્લીને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

ટિકિટની વહેંચણી બાદ ખાસ કરીને શહેરના વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 13માં આગેવાનો અને કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ટિકિટ કપાતા અનેક પૂર્વ કોર્પોરેટરો નારાજ થયા છે અને તેમની નારાજગી ચૂંટણીમાં પક્ષને નુકસાન પહોંચાડી શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે.

બહુમાળી ચોક ખાતે સભા પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આ નારાજ પૂર્વ કોર્પોરેટરો અને અસંતુષ્ટ આગેવાનો સાથે વિશેષ બેઠક કરી શકે છે. ચૂંટણી પહેલા પક્ષમાં કોઈ મોટું ભંગાણ ન પડે અને તમામ નેતાઓ એકજૂથ થઈને કામે લાગે તે સુનિશ્ચિત કરવા માટે પ્રદેશ પ્રમુખ ખુદ ડેમેજ કંટ્રોલની કમાન સંભાળશે.