રાજકોટ: બેડી ગામે 17 વર્ષીય સગીરાનું શંકાસ્પદ મોત, જમ્યા બાદ બેભાન મળી; આપઘાત કર્યાની આશંકા

પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને પરિવારજનોના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 19 Nov 2026 10:46 PM (IST)Updated: Thu, 19 Nov 2026 10:46 PM (IST)
rajkot-bedi-village-17-year-old-girl-suspicious-death-suspicion-of-suicide

Rajkot News: રાજકોટ-મોરબી રોડ પર આવેલા બેડી ગામે 17 વર્ષીય સગીરાનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. મૃતકના પિતાના જણાવ્યા અનુસાર, તેમની પુત્રી જમ્યા બાદ ઘરમાં બેભાન હાલતમાં મળી આવી હતી. પરિવારજનો તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

જમ્યા બાદ 17 વર્ષીય સગીરા બેભાન મળી

પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, બેડી ગામે રહેતી 17 વર્ષીય ગાયત્રી પ્રવીણભાઈ રાણવા ગઈકાલે બપોરે તેના પિતા સાથે જમવા બેઠી હતી. જમ્યા બાદ તેના પિતા પાન-ફાકી ખાવા માટે બહાર ગયા હતા. તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ગાયત્રી બેભાન અવસ્થામાં મળી આવી હતી. પરિવારજનો તાત્કાલિક તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.

કુવાડવા પોલીસે તપાસ કાર્યવાહી શરૂ કરી

જોકે, રસ્તામાં પુત્રીને બોલાવવાનો પ્રયાસ કરવા છતાં કોઈ પ્રતિસાદ મળ્યો નહી. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન ગાયત્રીનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ ચોકી દ્વારા ઘટનાની જાણ કરવામાં આવતા કુવાડવા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પરિવારજનોના નિવેદન નોંધી કુવાડવા પોલીસ દ્વારા ઘટનાના સંજોગો અને મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાની હતી સગીરા

હાલમાં ગાયત્રીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, ગાયત્રી 3 બહેનો અને 1 ભાઈમાં સૌથી નાની હતી. તેના પિતા ડ્રાઇવિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે માતા કોલેજમાં રસોઈ કામ કરે છે. ગાયત્રી ઘરેથી ઈમિટેશનનું કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી.