Rajkot News: રાજકોટ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે ત્યારે વધુ એક યુવતી વિધર્મી શખસના શિકાર બની હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ભગવતીપરામાં રહેતા બાવાશા યાશીનશાહ પઠાણ નામના શખસે અરવલ્લીની અને રાજકોટમાં હોસ્પિટલમાં નોકરી કરતી યુવતી સાથે મિત્રતા કેળવી, લગ્નની જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ મથકે નોંધાઈ છે.
મિત્રતાથી દુષ્કર્મ સુધીનો ઘટનાક્રમ
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ કેસની વિગત એવી છે કે ત્રણેક વર્ષ પૂર્વે આરોપી બાવાશા પઠાણ તેના પિતાની સારવાર માટે હોસ્પિટલ આવ્યો હતો. ત્યાં નોકરી કરતી યુવતી સાથે તેનો પરિચય થયો હતો. બાવાશાએ પોતે અપરિણીત હોવાની ખોટી ઓળખ આપી યુવતી સાથે મિત્રતા વધારી હતી. ત્યારબાદ "મારે તારી સાથે લગ્ન કરવા છે" તેમ કહી પ્રેમજાળમાં ફસાવી યુવતીના ઘરે તેમજ વિવિધ હોટલોમાં લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.
આ પણ વાંચો
આરોપીના રંગીન મિજાજની પોલ ખુલી
યુવતીએ જ્યારે આરોપીની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે બાવાશા પરિણીત છે અને તેની પત્ની ફિરોઝા સાથે રહે છે. એટલું જ નહીં, તેને તેના પિતરાઈ ભાઈની પત્ની સાથે પણ આડા સંબંધો હોવાનું બહાર આવતા યુવતીએ તેની સાથે ઝઘડો કર્યો હતો. જોકે, આઠ મહિના બાદ આરોપી ફરી યુવતી પાસે આવ્યો અને "હવે મારે પત્ની સાથે નથી રહેવું" કહી વિશ્વાસમાં લઈ ફરી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
આર્થિક છેતરપિંડી અને ફરાર
આરોપીએ સંબંધોની આડમાં યુવતી પાસેથી કટકે-કટકે ₹8.56 લાખની રોકડ ઉછીની લીધી હતી. આ ઉપરાંત, યુવતીનો સોનાનો ચેઈન પણ પહેરવાના બહાને લઈ લીધો હતો. છેલ્લે આરોપી પોતાનું મકાન ખાલી કરીને ફરાર થઈ ગયો અને પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો. યુવતીને છેતરાયાનો અહેસાસ થતા તેણે પોલીસના દ્વાર ખખડાવ્યા હતા.
પોલીસ કાર્યવાહી
યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ પટેલ અને તેમની ટીમે આ મામલે ગુનો નોંધી આરોપી બાવાશા પઠાણની શોધખોળ શરૂ કરી છે. પોલીસે યુવતીના નિવેદનના આધારે દુષ્કર્મ અને વિશ્વાસઘાતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
