રાજકોટમાં 35 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, 5 વર્ષના પુત્રને માથેથી પિતાનો હાથ ઊઠ્યો

મૃતક શહેરના જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા અને અમૃત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની પેઢી ચલાવતા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 10 Nov 2026 07:22 PM (IST)Updated: Tue, 10 Nov 2026 07:22 PM (IST)
rajkot-35-year-old-man-shivraj-chouhan-dies-of-heart-attack-on-new-year-2026

Rajkot News: રાજકોટ શહેરના જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા અને 'અમૃત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ' નામની પેઢી ચલાવતા 35 વર્ષીય શિવરાજ ચૌહાણને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને કારણે પરિવાર માટે નવા વર્ષની શરૂઆત જ ખુશીની જગ્યાએ ઘેરા માતમમાં થઈ હતી. મૃતક શિવરાજને સંતાનમાં એક 5 વર્ષનો પુત્ર છે.

આ બનાવની વિગતો અનુસાર, 35 વર્ષીય શિવરાજ ચૌહાણને સોમવારે બપોરના સમયે છાતીમાં દુખાવો ઉપડતાં તેમણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. પછી ફરી અચાનક રાત્રીના સમયે તેમને તીવ્ર છાતીમાં દુખાવો ઉપડ્યો, જેથી પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. 108 ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા યુવકને સ્થળ પર જ મૃત જાહેર કર્યો હતો.

આમ છતાં, પરિવારજનોએ આશા ન છોડતા યુવકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવા કહ્યું હતું. જેથી તેમને કાલાવડ રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે, ત્યાં પણ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ત્વરિત હરકતમાં આવ્યો હતો. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકનું મોત હાર્ટ એટેક આવવાના કારણે જ થયું હોવાનું સામે આવ્યું છે.