Shivlal Vekariya Passes Away: રાજકોટના પૂર્વ સાંસદ તથા અખિલ ભારતીય પાટીદાર શિક્ષા મહાસંઘ, ભારતના સ્થાપક પ્રમુખ શિવલાલભાઈ નાગજીભાઈ વેકરીયાનું 89 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે. 10 નવેમ્બર, 2026 મંગળવારના રોજ બપોરે 1:30 વાગ્યે તેમના નિધનના સમાચાર મળતા રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે શોકનું મોજુ ફરી વળ્યું છે. સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં કન્યા કેળવણી માટે તેમણે નોંધપાત્ર અને સરાહનીય કામ કર્યું હતું.
શિવલાલભાઈ વેકરીયા ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે સક્રિય રહ્યા અને ગુજરાત રાજ્યમાં ભાજપના મંત્રી તરીકે પણ સેવાઓ આપી હતી. રાજકોટ લોકસભા બેઠક પરથી તેઓ 9th અને 10th લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાઈને દિલ્હી સંસદમાં લોકપ્રતિનિધિ તરીકે પ્રજાનો અવાજ બુલંદ કર્યો હતો. બીજી ટર્મ સુધી સાંસદ રહીને તેમણે સંસદીય ક્ષેત્રે લોકકલ્યાણના અનેક કાર્યો પાર પાડ્યા હતા.
રાજકારણ ઉપરાંત સામાજિક ઉત્થાન અને શૈક્ષણિક પ્રસારમાં પણ તેમનું યોગદાન અદ્વિતીય રહ્યું છે. સૌરાષ્ટ્ર પંથકમાં સાદગીના પ્રતીક, સમાજ માટે સમર્પિત જીવન જીવનાર અને કન્યા કેળવણીના અગ્રેસર એવા શિવલાલભાઈ વેકરીયાનો જન્મ રાજકોટ જિલ્લાના મોટાવડા ગામે થયો હતો. તેમણે જાહેર જીવનમાં રહીને દેશ અને સમાજની ઉત્કૃષ્ટ સેવા કરી હતી.
સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં કન્યા કેળવણીને વેગ આપવા અને દીકરીઓને શિક્ષિત કરવાના અભિયાનમાં શિવલાલભાઈ વેકરીયા અગ્રેસર રહ્યા હોવાથી તેમને 'કન્યા કેળવણીના ભીષ્મપિતા' તરીકે યાદ કરવામાં આવે છે. સમાજને સંગઠિત કરવાના ઉમદા હેતુથી તેમણે અખિલ ભારતીય પાટીદાર શિક્ષા મહાસંઘની સ્થાપના કરી અને તેના સ્થાપક પ્રમુખ તરીકે લાંબો સમય સેવાઓ આપીને સમાજમાં શિક્ષણ અને સંસ્કારનું સિંચન કર્યું હતું.
