Rajkot PM Awas Yojana:રાજકોટમાં 1010 પરિવારોને મળ્યું 'ઘરનું ઘર',CM ભૂપેન્દ્ર પટેલે આધુનિક સુવિધાસભર આવાસો અર્પણ કર્યા

ઈઝ ઓફ લિવિંગ અને અર્ન વેલ, લિવ વેલની નેમ સાથે આગળ વધતા રાજકોટને આજે રૂ. 751.20 કરોડના વિકાસ કામોની ભેટ મળી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 28 Mar 2026 08:44 PM (IST)Updated: Sat, 28 Mar 2026 08:44 PM (IST)
pm-awas-yojana-1010-families-get-new-homes-as-cm-inaugurates-rs-751-cr-projects-in-rajkot

Rajkot PM Awas Yojana: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટમાં મહાનગરપાલિકાનાં રૂપિયા 751.20 કરોડના 45 જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા 119.05 કરોડના ખર્ચે નવનિર્મિત EWS-II પ્રકારના આવાસોનું લોકાર્પણ કરીને, મુખ્યમંત્રી દ્વારા 1010 પરિવારોને આધુનિક સુવિધાસભર "ઘરના ઘર"ની ભેટ અપાઈ છે. આ સાથે રૂપિયા 9.78 કરોડના ખર્ચે નિર્મિત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને નવા વ્હીકલ ટેસ્ટ ટ્રેકનું પણ લોકાર્પણ કરાયું હતું.

રાજકોટમાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,ઈઝ ઓફ લિવિંગ અને અર્ન વેલ, લિવ વેલની નેમ સાથે આગળ વધતા રાજકોટને આજે રૂ. 751.20 કરોડના વિકાસ કામોની ભેટ મળી છે. ગુજરાત રાજ્યનું વિકાસ મોડેલ અને વિકાસ કાર્યો માટે ગુજરાતનું નાણાકીય પ્રબંધન દેશમાં પ્રથમ ક્રમે છે.

નાગરિકોની સુખાકારી માટે જરૂરી એક પણ વિકાસ કાર્ય બાકી નહીં રાખવામાં આવે તેવી ખાતરી આપતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત સરકાર આયોજનબદ્ધ વિકાસ કાર્યોને ક્યારેય નામંજૂર નથી કરતી. આવા કાર્યોના આયોજનો તત્કાલ મંજૂર કરી દેવામાં આવે છે. આ તકે તેમણે થઈ રહેલા વિકાસ કાર્યોમાં ગુણવત્તા જાળવવા પર ભાર મૂક્યો હતો.

દેશને 20247 સુધીમાં વિકસિત બનાવવાનો સંકલ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો છે ત્યારે ‘વિકસિત ભારત’ માટે દેશના સામાન્ય માણસને મુખ્ય ધારામાં લાવવો જરૂરી છે અને તેના માટે જ રાજ્યમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત સમિટ’ને રિજનલ સ્તરે લઈ જવામાં આવી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે શાસનકાળના 8931દિવસ પૂર્ણ કર્યા છે, તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રી કહ્યું હતું કે, નરેન્દ્રની જનપ્રતિનિધિ તરીકેની યાત્રાની શરૂઆત રાજકોટથી થઈ હતી અને રાજકોટથી શરૂ થયેલો આ રેકોર્ડ આજે સતત આગળ વધી રહ્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સામાન્ય માનવીના કલ્યાણના મંત્ર સાથે કામ કરતા નરેન્દ્ર મોદી ગરીબોના જીવનમાં વાસ્તવિક પરિવર્તન લાવ્યા છે. આજે પેટ્રોલમાં એક્સાઈઝ ડ્યૂટી રૂ. 13થી ઘટાડીને રૂપિયા 3 અને ડીઝલમાં એક્સાઇઝ શૂન્ય કરી નાખવામાં આવી છે. વિશ્વમાં જ્યારે પણ સંકટ ઊભું થયું, ત્યારે PM નરેન્દ્ર મોદીએ હિંમતપૂર્વક નિર્ણયો લીધા છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે કે દેશના દરેક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર પાસે પોતાનું 'ઘરનું ઘર' હોય. આ સપનાને સાકાર કરવા ગુજરાત સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. આજે રાજકોટમાં આવાસ યોજનાના માધ્યમથી એક હજારથી વધુ પરિવારોને તેમના સપનાનું ઘર મળી રહ્યું છે.

આ અવસરે રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ આજના કાર્યક્રમને જનસુખાકારી માટેનો ઐતિહાસિક અવસર ગણાવતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ૧૫ દિવસમાં જ રૂ. 1100 કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે એક રેકોર્ડ છે. હાલમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દ્વારા રજૂ થયેલા અને વિધાનસભામાં પસાર થયેલા સમાન નાગરિક સંહિતા બિલ અંગે તેમણે કહ્યું હતું કે, યુ.સી.સી. બિલ એ મુખ્યમંત્રીનું ‘દિલ’ છે. સમગ્ર દેશમાં આ બિલ લાવનારું ગુજરાત બીજું રાજ્ય છે. આ સાથે જનતાના હિત માટે જરૂરી હશે તેવા તમામ નિર્ણયો ગુજરાત સરકાર કરતી જ રહેશે, તેવી ખાતરી તેમણે આપી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્રથી વિકાસની ધારા ગુજરાતભરમાં વહી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રના નેતૃત્વમાં વણથંભી વિકાસ યાત્રાના પરિણામે આવેલું પરિવર્તન દેખાઈ રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના અવિરત પ્રયત્નોને પરિણામે આજે રાજકોટના દરેક ખૂણાનો વિકાસ થયો છે.

જ્યારે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાએ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે રાજકોટમાં શહેરી વિકાસ વિભાગના રૂ. ૫૪૩ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ તથા રૂ. ૨૦૭ કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત થયા છે. આ બદલ તેમણે નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, ઉત્સવપ્રિય અને રંગીલું રાજકોટ હવે વિકાસ કાર્યોમાં પણ અગ્રેસર થઈ રહ્યું છે. ડ્રેનેજ, પાણી, રોડ-રસ્તાના વિકાસ કાર્યોથી આગળ વધીને રાજ્ય સરકારે ગરીબોની વેદના જાણીને આવાસોને પ્રાથમિકતા આપી છે. રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષમાં ૪.૯૦ લાખ આવાસો બન્યા છે. લોકોની સુખાકારી માટે રાજ્ય સરકાર સતત તત્પર હોવાનો અને આગામી દિવસોમાં રાજકોટ વિકાસમાં મોડેલ સિટી બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.