Jigisha Patel: પાટીદાર મહિલા આગેવાન જીગીશા પટેલ AAPમાં જોડાયા, ગોંડલમાં કહ્યું- પાર્ટી તક આપશે તો ચૂંટણી લડીશ

જીગીશા પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી અમે સામાજિક સ્તરે લડતા હતા, પરંતુ કોઈપણ સમસ્યાના કાયમી અને નક્કર નિરાકરણ માટે રાજકારણમાં પ્રવેશ કરવો અનિવાર્ય બને છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 31 Oct 2025 04:25 PM (IST)Updated: Fri, 31 Oct 2025 04:25 PM (IST)
patidar-leader-jigisha-patel-joins-aap-may-contest-gondal-elections

Jigisha Patel Joins AAP: પાટીદાર અનામત આંદોલન સમયથી ગુજરાતના રાજકારણમાં સક્રિય જિગીષા પટેલે આજે આમ આદમી પાર્ટી (AAP) માં પ્રવેશ કર્યો હતો. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના હસ્તે ખેસ ધારણ કરીને તેઓ કેજરીવાલની ઈમાનદાર રાજનીતિથી પ્રેરિત થઈને પક્ષમાં જોડાયા હતા. આ પ્રસંગે અરવિંદ કેજરીવાલ ઉપરાંત ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, મનોજ સોરઠીયા, ચૈતર વસાવા અને હેમંત ખવા જેવા અગ્રણી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે ગોંડલમાં યોજાયેલી રેલીમાં ભાગ લીધો હતો. રેલી બાદ તેમણે કહ્યું હતું કે, જો પાર્ટી તરફથી તક આપવામાં આવશે તો તેઓ ચૂંટણી લડશે.

કેજરીવાલના હાથે ખેસ પહેરીને જીગીશા પટેલ AAPમાં જોડાયા

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગઇકાલે રાજકોટ આવી પહોંચ્યા હતા. તેમની રાજકોટ મુલાકાત દરમિયાન પાટીદાર સમાજના જાણીતા મહિલા આગેવાન જીગીશા પટેલ ગઇકાલે આમ આદમી પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયા હતા. પાટીદાર અનામત આંદોલન સમયથી જ ગુજરાતના રાજકારણમાં સક્રિય રહી ચૂકેલ જીગીશા પટેલ AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીની ઈમાનદાર રાજનીતિ અને ખેડૂતો માટે AAPની લડતથી પ્રેરિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

naidunia_image

રાજકોટમાં યોજાયેલી ખાસ બેઠક દરમિયાન AAP રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજીના હાથે ખેસ પહેરીને જીગીશા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પ્રસંગે AAP ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા તથા મધ્યઝોન કાર્યકારી પ્રમુખ ડોક્ટર જ્વેલ વસરા ઉપસ્થિત રહ્યા હતા. જીગીશા પટેલના જોડાણથી ગોંડલ અને સૌરાષ્ટ્રમાં રાજકીય સમીકરણોમાં નવી હલચલ જોવા મળી રહી છે. કેજરીવાલજીના ગુજરાત આગમન બાદ આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં પોતાનો સંગઠન મજબૂત બનાવી રહી છે અને નવા આગેવાનોના જોડાણથી પક્ષ વધુ સશક્ત બની રહ્યો છે.

ગોંડલમાં રેલીમાં ભાગ લઇ નવી રાજકીય ભૂમિકાનો પ્રારંભ કર્યો

ગોંડલના જાણીતા સામાજિક કાર્યકર જીગીશા પટેલે આમ આદમી પાર્ટી (AAP) માં જોડાયા બાદ આજે પોતાનો પ્રથમ જાહેર કાર્યક્રમ યોજી ગોંડલના રાજકારણમાં સક્રિયપણે પ્રવેશ કર્યો છે. લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત પગપાળા રેલીમાં ભાગ લઈને તેમણે પોતાની નવી રાજકીય ભૂમિકાનો પ્રારંભ કર્યો હતો. આ પગપાળા રેલીનું આયોજન ગોંડલ નાગરિક હિત રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. પગપાળા રેલી સરદાર ચોક પહોંચતા જીગીશા પટેલ સહિતના આગેવાનોએ સરદાર પટેલની પ્રતિમાને ભાવપૂર્વક હારતોળા અર્પણ કરી "જય સરદાર"ના ગગનભેદી નારા લગાવ્યા હતા.

પાર્ટી જે નિર્ણય લેશે અને ટિકિટ આપશે, તે મારા માટે શિરોમાન્ય રહેશે

મીડિયા સાથે વાત કરતા જીગીશા પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી અમે સામાજિક સ્તરે લડતા હતા, પરંતુ કોઈપણ સમસ્યાના કાયમી અને નક્કર નિરાકરણ માટે રાજકારણમાં પ્રવેશ કરવો અનિવાર્ય બને છે. જનતાના હિત માટે આ વડીલો પણ રાજકારણમાં આવ્યા હતા અને તેમના વડીલોની સલાહથી જ તેમણે આ મોટો રાજકીય નિર્ણય લીધો છે. પાર્ટી જે નિર્ણય લેશે અને ટિકિટ આપશે, તે મારા માટે શિરોમાન્ય રહેશે.