Rajkot News: ખોડલધામના નરેશ પટેલ અને પાટીદાર નેતા તથા ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે લાંબા સમયથી વાદ-વિખવાદની ચર્ચા રાજ્યભરમાં ચાલી રહી છે. બન્ને વચ્ચે ઘણા સમયથી અણબનાવ હોય તેવી વાતો પણ સામે આવી રહી હતી ત્યારે આજે ખોડલધામ કાગવડ ખાતેના એક કાર્યક્રમ બાદ કૃષિમંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં આ બન્ને પાટીદાર નેતાઓ વચ્ચે સમાધાન થયું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. બન્ને નેતા એકબીજાના ગળે મળ્યા હતા. જયેશ રાદડિયાએ આ તકે કહ્યું હતું કે જયેશ હોય કે ન હોય ખોડલધામ રહેશે. કારણ કે આ સમાજનું ગૌરવ છે.
ખોડલધામમાં હતો સન્માન સમારોહ
આજે શ્રી ખોડલધામ ટ્રસ્ટ, કાગવડ દ્વારા નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ અને સરકારના નવા મંત્રીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. જોકે સમગ્ર કાર્યક્રમ બાદ સૌથી વધુ આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બિન્દુ રહ્યું હોય તો નરેશ પટેલ અને જયેશ રાદડિયાનો મિલાપ. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જીતુ વાઘાણી સાથે આ બન્ને નેતાઓ દ્વારા એક પ્રસે કોન્ફરન્સ કરવામાં આવી હતી.
બધાની હાજરીમાં બન્ને નેતા એકબીજાને મળ્યા હતા અને બન્ને વચ્ચે કોઇ અણબનાવ કે વાદ-વિખવાદ ન હોવાનું ચિત્ર સ્પષ્ટ કર્યું હતું. જીતુ વાઘાણીએ પણ આ તકે કહ્યું હતું કે અમે ત્રણેય ગળે મળીએ છીએ. જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, આ ખોડલધામ એ અમારું આંગણું છે અને આ કાયમી જયેશ રાદડિયા હોય કે ન હોય ખોલધામ રહેવાનું છે આ સમાજનું ગૌરવ છે.
જે વાતો વહેતી થઇ હતી એ વાતનું પૂર્ણવિરામ આજે થયું
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ માનું સાનિધ્ય છે અને માના સાનિધ્યમાં નરેશભાઇ અને જયેશભાઇ ગળે મળ્યા છે. જે વાતો વહેતી થઇ હતી એ વાતનું પૂર્ણવિરામ આજે થયું છે. ઘણી વખત જે વાતો વહેતી થતી હોય છે, તેનાથી વિપરીત પરિસ્થિતિ હોય છે. આ અમારા બધા વડીલો, અમાર શ્રેષ્ટીઓ કાયમ સમજના કામમાં એક થઇને કામ કરે છે. નરેશભાઇના નેતૃત્વની અંદર હું અને જયેશ તો નાના છીએ.
એની પાસે બાળકો કે એમના દીકરાની ઉંમરે અમારી છે, ત્યારે એ અમારા વડીલ કાયમ રહ્યા છે. એટલે આવી કોઈ વાતો ઉપર મારી વિનંતી છે કે સમાજનું કામ હોય, સેવાનું કામ હોય ત્યારે જયેશ પણ મોખરે હોય છે અને નરેશભાઈ પણ મોખરે હોય છે, જ્યાં જે કે એ પ્રકારે સમાજને ગમે એ પ્રકારનું કામ કરવા માટે કૌશિકભાઇ હોય કમલેશભાઈ હોય કે પ્રફુલભાઈ હોય કે મનસુખભાઈ હોય અમે હંમેશા તત્પર હોય છીએ એનું ઉત્તમ ઉદાહરણ આપણને મળ્યું છે.
