Morbi Farmer Protest: ગત વર્ષે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રાજકોટની ન્યૂ એરા સ્કૂલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત રહેલા સાંસદ પરસોત્તમ રુપાલાએ ખેડૂતોના ચાલી રહેલા આંદોલનને લઈને મોટું નિવેદન આપ્યું છે.
ખેડૂતોના પ્રશ્નોને લઈને કૃષિ મંત્રી સાથે વાતચીત થઈ
રાજકોટ લોકસભા બેઠકના સાંસદ પરસોત્તમ રુપાલાએ જણાવ્યું કે, ગુજરાત સરકાર ખેડૂતોના હિતોને નુકસાન ના થાય તે પ્રમાણે નીતિ બનાવી રહી છે. ખેડૂતોના પ્રશ્નને લઈને કૃષિ મંત્રી સાથે વાત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખેડૂતોના પ્રશ્નોથી વાકેફ છે. આ સાથે જ સાંસદે સરકાર ટૂંક સમયમાં આ સમગ્ર સમસ્યાનો સુખદ ઉકેલ લાવે અને ખેડૂતો હેરાન ના થાય તેવી અપીલ કરી હતી.
જણાવી દઈએ કે, મોરબીના જેતપર ગામમાં ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતોની સંમતિ અને યોગ્ય વળતર ચૂકવ્યા વિના ખેતરોમાં વીજપોલ ઊભા કરવાની કામગીરી સામે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે.ખેડૂતોનો આરોપ છે કે, કંપની દ્વારા તેમની જમીનનો ઉપયોગ કરવા બદલ કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી, કે વળતરની રકમ બાબતે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ખાનગી કંપની તેમની જમીન પર અતિક્રમણ કરી રહી છે.
