Rajkot News:રાજકોટના બેડી ગામથી હડમતિયા તરફ જવાના રસ્તે આવેલી વીડીવાળા પીરની દરગાહ પાસેના તળાવમાં ન્હાવા પડેલા રોંકી ગામના ત્રણ બાળકો અને એક યુવાનનું ડૂબી જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. એક બાળકને બચાવવા જતાં એક પછી એક એમ કુલ ચાર લોકો કાળનો કોળિયો બની જતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રવિવારે બપોરના સમયે આ ઘટના બની હતી. ૧૦ વર્ષના એક બાળકનો જન્મદિવસ હોવાથી તેઓ વીડીવાળા પીરની દરગાહ પર દર્શન કરવા અને જમવા માટે ગયા હતા. ત્યારબાદ આ લોકો નજીકમાં આવેલા તળાવમાં ન્હાવા માટે પડ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, તળાવમાં ન્હાતી વખતે ૫ વર્ષનો સેફુ અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો અને ડૂબવા લાગ્યો હતો. તેને બચાવવા માટે અન્ય ત્રણ લોકો પણ પાણીમાં કૂદ્યા હતા. પરંતુ પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા અને તરતા ન આવડતું હોવાથી એક પછી એક એમ ચારેય લોકો ડૂબવા લાગ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, નાના બાળકોને ડૂબતા જોઈને ૧૭ વર્ષનો એક યુવક પણ તેમને બચાવવા પડ્યો હતો, પરંતુ તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ચારેયને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. બનાવ અંગે જાણ કરવામાં આવતા કુવાડવા રોડ પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
