Lal Bapu Sadbhavna Ashram Donation: સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે અપૂરતા વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં સર્જાયેલી દુષ્કાળની પરિસ્થિતિમાં સૌથી વિકટ હાલત અબોલ બળદોની થઈ છે. ઘાસચારાના તીવ્ર અભાવે ખેડૂતો અને પશુપાલકો કમને પણ પોતાના બળદોને રાહત કેમ્પમાં મૂકવા મજબૂર બન્યા છે. આવા કપરા સમયે રાજકોટના સદભાવના બળદ આશ્રમ દ્વારા 8,000થી વધુ નિરાધાર બળદોની સારસંભાળ રાખવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે.
લાલ બાપુએ રુ.25 લાખનું દાન આપ્યું
જીવદયાના આ ઉમદા સેવાયજ્ઞની સરાહના કરતા ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજ્ય સંત શ્રી લાલબાપુએ સદભાવના આશ્રમને રૂ. 25 લાખનું માતબર આર્થિક યોગદાન આશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરીયાને અર્પણ કરી સમાજને સેવાની નવી પ્રેરણા પૂરી પાડી છે. અબોલ પશુઓ પ્રત્યે અપાર કરુણા ધરાવતા પૂજ્ય લાલબાપુ હંમેશા જીવદયાના કાર્યોમાં અગ્રેસર રહ્યા છે. અગાઉ જ્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગાયોમાં લંપી વાયરસનો જીવલેણ રોગચાળો ફાટી નીકળ્યો હતો, ત્યારે પણ પૂજ્ય બાપુએ પોતાના તપોબળ અને દેશી ઔષધિના પ્રયોગો થકી લાખો ગાયોને નવજીવન બક્ષ્યું હતું.
બાપુએ ટ્રસ્ટીઓને આપ્યા આશીર્વચન
હાલમાં બળદો પર આવી પડેલી આફતના સમયે સદભાવના આશ્રમના સેવાકાર્યથી પ્રભાવિત થઈને બાપુએ આર્થિક સહયોગ આપ્યો છે, જેથી અન્ય દાતાઓ અને સમાજના શ્રેષ્ઠીઓ પણ આ પુણ્યકાર્યમાં સહભાગી બને અને અબોલ પશુઓનો સારી રીતે નિભાવ થઈ શકે. આ પ્રસંગે પૂજ્ય લાલબાપુએ સદભાવના બળદ આશ્રમ, રાજકોટના પ્રમુખ વિજયભાઈ ડોબરીયા, ઉપપ્રમુખ રાજેશભાઈ રૂપાપરા તેમજ તમામ ટ્રસ્ટીઓની સેવાભાવનાને બિરદાવતા ભાવવાહી આશીર્વચન પાઠવ્યા હતા.
ગૌવંશનું રક્ષણ કરવું એ સમાજની નૈતિક ફરજ
બાપુએ જણાવ્યું હતું કે, આજના સ્વાર્થી સમયમાં મૂંગા અને અબોલ પશુઓના આંસુ લૂછનારા બહુ ઓછા લોકો હોય છે. જેમને ઉપર આકાશ અને નીચે ધરતી સિવાય બીજો કોઈ આધાર નથી તથા માત્ર પેટ ભરવા સિવાય કોઈ સ્વાર્થ નથી, તેવા હજારો બળદોને સાચવવા એ કોઈ સામાન્ય માણસનું કામ નથી. પરંતુ પૂર્વજન્મના પુણ્યશાળી આત્માઓ જ આ મહાયજ્ઞ કરી શકે છે. આપત્તિના આ સમયમાં ગૌવંશનું રક્ષણ કરવું એ સમગ્ર સમાજની નૈતિક ફરજ છે તેમ જણાવી બાપુએ સંસ્થાના સેવાભાવીઓને ખૂબ રાજીપો અને આશીર્વાદ આપ્યા હતા.
