Aniruddhsinh Jadeja: રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં આજે મહાસંમેલન, ગોંડલના રાજકારણમાં નવા વળાંકના એંધાણ

અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં એક મોટા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સુપ્રીમ કોર્ટના એક તાજેતરના ચુકાદા પછીના શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યો છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Fri 05 Sep 2025 11:47 AM (IST)Updated: Fri 05 Sep 2025 11:47 AM (IST)
kshatriya-samaj-meet-in-support-of-aniruddhsinh-jadeja-at-ribda-rajkot-597746
HIGHLIGHTS
  • આ શક્તિ પ્રદર્શન પાછળનું મુખ્ય કારણ પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાની હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલો ચુકાદો છે.
  • સર્વોચ્ચ અદાલતે અનિરુદ્ધસિંહ જાડેજાને 18 સપ્ટેમ્બર સુધીમાં જેલમાં સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે.

Aniruddhsinh Jadeja Ribda: ગોંડલનું રીબડા ગામ આજે ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, જ્યાં મોટી નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં એક મોટા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સુપ્રીમ કોર્ટના એક તાજેતરના ચુકાદા પછીના શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યો છે. આ સંમેલન આજે એટલે કે 5 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે લગભગ બે વાગ્યે રીબડા સ્થિત હનુમાનજી મંદિર ખાતે યોજાવાનું છે.

આ શક્તિ પ્રદર્શન પાછળનું મુખ્ય કારણ પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાની હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલો ચુકાદો છે. સર્વોચ્ચ અદાલતે અનિરુદ્ધસિંહ જાડેજાને 18 સપ્ટેમ્બર સુધીમાં જેલમાં સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે. આ આદેશના પગલે તેમના સમર્થકો દ્વારા આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે ગોંડલ પંથકના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે.

આ સંમેલનના પ્રચાર માટે સોશિયલ મીડિયાનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે. વી સપોર્ટ અનિરુદ્ધસિંહ જાડેજા, ચાલો રીબડા અને એકતા પરમો ધર્મ જેવા નારાઓ સાથેના પોસ્ટર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ ઉપરાંત, રીબડા ફોર જસ્ટિસ હેશટેગ સાથે પણ પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય રાજપૂત સંઘના પ્રમુખ પીટી જાડેજા જેવા અનેક આગેવાનોએ વીડિયો સંદેશ દ્વારા લોકોને રીબડા પહોંચવા માટે અપીલ કરી છે.

સોશિયલ મીડિયા પર ફરતા થયેલા એક પોસ્ટરમાં એવો તર્ક રજૂ કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં આજીવન કેદની સજા પામેલા અન્ય કેદીઓને 12 કે 14 વર્ષે સજા માફી મળે છે, જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજા 18 વર્ષ જેલમાં રહ્યા હોવા છતાં તેમની સજા માફી બાબતે આટલો વિવાદ શા માટે થઈ રહ્યો છે. આયોજકોના મતે આ સંમેલનમાં ગોંડલ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હાજરી આપશે.

આ મહાસંમેલન અને શક્તિ પ્રદર્શન ગોંડલ પંથકના રાજકારણમાં એક નવો વળાંક લાવી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે બપોર પછી રીબડામાં કોઈ મોટી રાજકીય હલચલ થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.