Rajkot News: જસદણના કનેસરા ગામે પુત્રને પિતાએ લાકડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યાના આ બનાવમાં કોર્ટ દ્વારા આરોપી પિતાને આજીવન કેદની સજા ફટકારી છે અને 25 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ ઘટનામાં માતા દ્વારા જે જુબાની આપવામાં આવી તેના આધારે કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો હતો.
વાડીએ મહેશનો મૃતદેહ મળી આવ્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, જસદણના કનેસરા ગામનો મહેશ કુકડીયા ગત 9 માર્ચ 2023ના રોજ પોતાની વાડીએ પાણી વાળવા ગયો હતો. સવારે પરત ન ફરતા, તેની માતા રેખાબેન કુકડીયા પુત્રની તપાસ કરવા વાડીએ પહોંચ્યા હતા. ત્યાં બ્લેન્કેટ ઓઢીને સૂતેલા મહેશનું બ્લેન્કેટ ઊંચુ કરીને જોતા મોઢામાંથી લોહી નીકળતું હતું અને કપાળના ભાગે ગંભીર ચીરો પડેલો હતો. લોહીલુહાણ હાલતમાં મહેશ કુકડીયાનો મૃતદેહ મળી આવ્યો હતો.
પુત્રની હત્યા પિતાએ કરી હોવાની માતાએ નોંધાવી ફરિયાદ
આ ઘટના બાદ 10 માર્ચ, 2023ના રોજ ફરિયાદી રેખાબેન બટુકભાઈ કુકડીયાએ ભાડલા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ બટુકભાઈ ચનાભાઈ કુકડીયા વિરુદ્ધ પુત્ર મહેશ કુકડીયાની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી બટુક કુકડીયાની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે લાકડી વડે માથા પર ઘા મારી પુત્રની હત્યા કર્યાની કબૂલાત આપી હતી.
આરોપીએ હત્યા પોતે ન કરી હોવાની દલીલ કરી
તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી ગુનામાં વપરાયેલી લોહીવાળી લાકડી પણ મળી આવી હતી. તપાસ અધિકારી દ્વારા આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. અદાલતમાં કેસ ચાલી જતા, આરોપી બટુક કુકડીયાએ દલીલ કરી હતી કે આ ગુનામાં કોઈ નજરે જોનાર સાક્ષી નથી અને તેના કપડાં પર કોઈ લોહીના ડાઘ નથી, જેથી મૃતકની હત્યા તેણે કરી હોવાનું માની શકાય નહીં.
ફરિયાદીએ પતિએ જ પુત્રની હત્યા કર્યાનું નિવેદન આપ્યું
જિલ્લા સરકારી વકીલ સંજય. કે. વોરાએ રજૂઆત કરી હતી કે, મૃતક મહેશ કુકડીયા અને આરોપી બટુકભાઈ કુકડીયા બંનેનું બ્લડ ગ્રુપ "એ" છે. તપાસ દરમિયાન જે લાકડી મળી આવેલી હતી, તેના પર પણ "એ" ગ્રુપનું લોહી મળી આવ્યું હતું, જે મૃતક મહેશનું હતું. આરોપીએ જ આ લોહીવાળી લાકડી શોધી આપતા તે ગુનામાં તેની સંડોવણી સ્પષ્ટ થાય છે. વધુમાં, ફરિયાદી રેખાબેને પોતાના પતિએ જ પુત્રની હત્યા કરી હોવાનું નિવેદન આપ્યું હતું.
સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે આરોપી બટુક કુકડીયા રખડતો-ભટકતો રહી હંમેશા પુત્રો પાસેથી પૈસાની માંગણી કરતો અને કુટુંબને હેરાન-પરેશાન કરતો હતો, જેના કારણે તે પોતાના દીકરાઓ સાથે ઝઘડા કરતો હતો. આવા જ પારિવારિક ઝઘડાના કારણે આરોપીએ પોતાના સગા પુત્રની હત્યા કરી હતી. ખુદ પત્નીનો આક્ષેપ હોવાથી તેને ખોટો માનવાને કોઈ કારણ નથી.
સરકાર તરફેની તમામ દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં લીધા બાદ, અધિક સેશન્સ જજ આઈ. બી. પઠાણે પુત્રની હત્યા કરનાર આરોપી પિતા બટુક ચનાભાઈ કુકડીયા (ઉં.વ. ૫૫) ને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂ. 25 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો
