Jasdan News: હાલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે બાળકો મોજ-મસ્તી અને રમતોમાં મશગૂલ હોય છે. પરંતુ જસદણમાંથી એક એવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જે તમામ માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. જેમાં બાળકની આંખમાં એક લોખંડની ખીલી ખૂંપી ગઈ હતી. જોકે, તબીબોની ટીમે સર્જરી કરી બાળકની આંખને બચાવી લીધી હતી.
ગીલોરથી રમતા સમયે બની ગંભીર દુર્ઘટના
મળતી માહિતી મુજબ, વેકેશનનો સમય હોવાથી બાળકો ઘર પાસે રમી રહ્યા હતા. આ બાળકો જ્યારે ગીલોર બનાવીને રમત રમી રહ્યા હતા. ત્યારે રમત-રમતમાં અચાનક એક લોખંડની ખીલી ઉછળીને બાળકની આંખમાં સીધી ઘૂસી ગઈ હતી. આ ગંભીર ઘટનાને પગલે બાળક લોહીલુહાણ હાલતમાં ચીસાચીસ કરવા લાગ્યું, અને પરિવારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
K.D.P. પરવડીયા હોસ્પિટલમાં જટીલ સર્જરી
આંખમાં ખીલી ખૂંપી જવાના કારણે બાળકને તાત્કાલિક જસદણની K.D.P. પરવડીયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. કેસની ગંભીરતા પારખીને હોસ્પિટલના નિષ્ણાત આંખના સર્જન ડો. ઉમંગ ઠક્કર અને તેમની 4 તબીબોની ટીમે તાત્કાલિક ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો.
તબીબોએ કલાકોની ભારે જહેમત અને જટીલ સર્જરી બાદ માસૂમ બાળકની આંખમાંથી લોખંડની ખીલી સફળતાપૂર્વક બહાર કાઢી હતી. ડોક્ટરોની આ સમય સૂચકતા અને મહેનતને કારણે બાળકની આંખની રોશની બચી ગઈ છે અને તેને નવું જીવન મળ્યું છે.
આ પણ વાંચો: Rajkot: ભીમનગરમાં રાજકોટ મનપાનું ‘બુલડોઝર’ ચાલ્યું, TP રોડ પરના ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
તબીબોની કુશળતાના કારણે એક મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ આ કિસ્સો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે, અને વાલીઓને સ્પષ્ટ ચેતવણી આપી રહ્યો છે. વેકેશનના સમયમાં બાળકો જ્યારે મસ્તીમાં હોય ત્યારે તેઓ કેવી વસ્તુઓથી રમે છે અને ક્યાં રમે છે તેનું પૂરતું ધ્યાન રાખવું વાલીઓ માટે ખૂબ જ અનિવાર્ય છે.
