Jalaram Jayanti 2026: ગુજરાતની ધરતી પર અનેક સંતો અને મહાત્માઓએ ભક્તિની સાથે માનવસેવાનો સંદેશ આપ્યો છે. તેમાં સંત શ્રી જલારામ બાપાનું નામ વિશેષ આદર સાથે લેવામાં આવે છે. આજે 16 નવેમ્બરના રોજ જલારામ જયંતિ નિમિત્તે વીરપુરમાં ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે. જલારામ બાપાએ વર્ષો પહેલાં શરૂ કરેલી અન્નદાનની પરંપરા આજે પણ લોકો માટે માનવતા, સમાનતા અને નિઃસ્વાર્થ સેવાનું જીવંત ઉદાહરણ બની રહી છે. આખરે વીરપુરમાં આ સેવા કેવી રીતે શરૂ થઈ અને આજે પણ કઈ રીતે ચાલુ છે? જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી ખાસ વાતો.
કોણ હતા જલારામ બાપા? જાણો તેમનો જન્મ અને જીવન પરિચય
આ પણ વાંચો
સંત શ્રી જલારામ બાપાનો જન્મ 4 નવેમ્બર, 1799ના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા વીરપુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ હતું. બાળપણથી જ માતા રાજબાઈના ધાર્મિક સંસ્કારો અને સંતોની સેવા કરવાની ભાવનાની અસર જલારામ બાપા પર જોવા મળતી હતી. તેમના ઘરે આવતા સાધુ-સંતોને ભોજન કરાવવું અને તેમની જરૂરિયાતો પૂરી કરવી એ પરિવારની પરંપરા હતી.
જલારામ બાપાના લગ્ન નાની ઉંમરે વિરબાઈ માતા સાથે થયા હતા. જોકે, તેમનું મન સંસાર કરતાં ભક્તિ અને સેવાકાર્યોમાં વધુ લાગતું હતું. તેઓ ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા. આશરે 18 વર્ષની ઉંમરે તેમણે ફતેહપુરના સંત ભોજલરામ (ભોજા ભગત)ને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. ગુરુના આશીર્વાદ અને માર્ગદર્શનથી તેમણે પોતાનું સમગ્ર જીવન માનવસેવા માટે સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો હતો.
1820માં વીરપુરમાં શરૂ થયું સદાવ્રત, જાણો તેની પાછળની કહાની
જલારામ બાપાના જીવનનું સૌથી મોટું સેવાકાર્ય એટલે વીરપુરમાં શરૂ કરેલું સદાવ્રત. વર્ષ 1820માં તેમણે પોતાના ગુરુના આશીર્વાદથી અન્નક્ષેત્રની શરૂઆત કરી હતી. આ વ્યવસ્થા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે કોઈપણ ભૂખ્યા વ્યક્તિને ભોજન વિના પાછા ફરવું ન પડે.
શરૂઆતમાં જલારામ બાપા અને વિરબાઈ માતા પોતે જ અનાજની વ્યવસ્થા કરતા અને ભોજન તૈયાર કરીને જરૂરિયાતમંદો, સાધુ-સંતો તથા મુસાફરોને પીરસતા હતા. આ સેવા માત્ર કોઈ એક દિવસ કે ખાસ તહેવાર પૂરતી મર્યાદિત નહોતી. દિવસ-રાત જરૂરિયાતમંદોને ભોજન મળી રહે તેવો તેમનો પ્રયાસ હતો.
આ સદાવ્રતની વિશેષતા એ હતી કે અહીં આવતા વ્યક્તિની જાતિ, ધર્મ કે આર્થિક સ્થિતિ વિશે કોઈ પ્રશ્ન પૂછવામાં આવતો નહોતો. હિન્દુ હોય કે મુસ્લિમ, ગરીબ હોય કે અમીર, દરેકને એકસરખા પ્રેમ અને આદર સાથે ભોજન આપવામાં આવતું હતું. આ જ વિચારધારા આજે પણ વીરપુરની અન્નદાન પરંપરાનો આધાર છે.
વિરબાઈ માતાએ પણ પતિના સેવામાર્ગમાં આપ્યો સાથ
જલારામ બાપાના જીવન અને સેવાકાર્યોની વાત વિરબાઈ માતાના યોગદાન વિના અધૂરી છે. લગ્ન બાદ તેમણે પણ પતિની ભક્તિ અને સેવાભાવના માર્ગને અપનાવ્યો હતો. સદાવ્રત ચલાવવા માટે ભોજનની વ્યવસ્થા કરવી, સાધુ-સંતોનું સ્વાગત કરવું અને જરૂરિયાતમંદોની સેવા કરવી જેવા કાર્યોમાં તેઓ જલારામ બાપાની સાથે રહેતાં હતાં.
જલારામ બાપાના જીવન સાથે જોડાયેલી એક પ્રચલિત ધાર્મિક કથા અનુસાર, એક સાધુએ તેમની સેવાભાવનાની કસોટી કરવા વિરબાઈ માતાને પોતાની સાથે મોકલવાની માગણી કરી હતી. કહેવાય છે કે વિરબાઈ માતાએ પણ કોઈ સંકોચ વિના માનવસેવાના હેતુથી આ વાત સ્વીકારી હતી. જોકે, બાદમાં સાધુએ તેમને પરત મોકલીને જલારામ બાપાને અક્ષય ઝોળી અને ધર્મ ધોકો આપ્યાં હતાં. ભક્તો આ ઘટનાને જલારામ બાપા અને વિરબાઈ માતાના ત્યાગ અને સમર્પણના પ્રતીક તરીકે યાદ કરે છે.
200 વર્ષ પછી પણ વીરપુરમાં કેમ નથી અટક્યું અન્નદાન?
જલારામ બાપાએ શરૂ કરેલી અન્નદાનની પરંપરા આજે પણ વીરપુરમાં સતત આગળ વધી રહી છે. અહીં આવેલા જલારામ બાપાના મંદિરના અન્નક્ષેત્રમાં દર્શન માટે આવતા ભક્તો, સાધુ-સંતો અને જરૂરિયાતમંદોને નિઃશુલ્ક પ્રસાદ આપવામાં આવે છે. ભોજનમાં ખીચડી, કઢી, શાક સહિતની વાનગીઓ પીરસવામાં આવે છે. ખાસ તહેવારો અને જલારામ જયંતિ જેવા પ્રસંગોએ મોટી સંખ્યામાં ભક્તો વીરપુર પહોંચે છે.
આ અન્નદાનની પરંપરાની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે મંદિર દ્વારા દાન સ્વીકારવામાં આવતું નથી. 9 ફેબ્રુઆરી, 2000થી મંદિરના ટ્રસ્ટે રોકડ કે વસ્તુના સ્વરૂપમાં કોઈપણ પ્રકારનું દાન સ્વીકારવાનું બંધ કર્યું હતું. તેમ છતાં અન્નક્ષેત્રની સેવા અટકી નથી અને ભક્તોને નિઃશુલ્ક ભોજન પીરસવાની પરંપરા ચાલુ છે
આ જ કારણ છે કે વીરપુરનું જલારામ મંદિર માત્ર ધાર્મિક સ્થળ તરીકે જ નહીં, પરંતુ માનવસેવાના અનોખા ઉદાહરણ તરીકે પણ ઓળખાય છે. અહીં આવનાર દરેક વ્યક્તિ જલારામ બાપાના જીવનમંત્રને અનુભવી શકે છે કે ભૂખ્યાને ભોજન કરાવવું એ પણ ઈશ્વરની સેવા સમાન છે.
