Rajkot News: ચોટીલામાં આવેલા જુના બસ સ્ટેશન પાછળ રહેતા યુવાને વ્યાજે લીધેલા દોઢ કરોડ રૂપિયા IPL નાં ક્રિકેટ સટ્ટામાં હારી ગયો હતો. જે રૂપિયાની વ્યાજખોરોએ ઉઘરાણી કરતા યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર યુવક પાસેથી મળી આવેલ સ્યુસાઇડ નોટમાં 10 શખ્સોનાં નામનો ઉલ્લેખ કરાયો છે. અને વ્યાજે લીધેલા રૂપિયામાંથી એકાદ કરોડ ચૂકવી દીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલામા જુના બસ સ્ટેશન પાછળ રહેતા દીલીપ લખમણભાઇ ખીમસુરીયા નામનો 38 વર્ષનો યુવાન રાત્રીનાં અગિયારેક વાગ્યાના અરસામા ભીમગઢ રોડ પર આવેલા નવા બસ સ્ટેશનનાં નાકે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતા ચોટીલા પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં દિલીપ ખીમસુરીયા બે ભાઈ એક બહેનમા નાનો છે. અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. દિલીપ દસેક જેટલા લોકો પાસેથી દોઢ કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા. જે રૂપિયા આઈપીએલ ક્રિકેટ સટ્ટામાં હારી ગયા બાદ વ્યાજખોરોએ વ્યાજે આપેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા દિલીપભાઈ ખીમસુરીયાએ ઝેરી દવા પીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આપઘાતનો પ્રયાસ કરનાર દિલીપ ખીમસુરીયાએ વ્યાજખોરોના નામ જોગ રકમ સાથે સ્યુસાઇડ નોટ લખી હતી જેમા 10 લોકોના નામનો ઉલ્લેખ કરાયો છે. જેમાં હાર્દિક ભરતભાઈ જાદવ અને તેની પત્ની ભારતીબેન જાદવ પાસેથી 10 લાખ, વિશાલ દિનેશભાઇ મકવાણા અને દિનેશભાઈ હીરાભાઇ મકવાણા પાસેથી 17 લાખ, કનુ ભાઇ બોરીચા પાસેથી 5 લાખ, કરમશીભાઇ લોહ પાસેથી 2 લાખ, હિર મેડમ અને ક્રિપાલસિંહ પાસેથી 6 લાખ, કિશન પાસેથી 6 લાખ, રાજવીર પાસેથી 3 લાખ, ભાવેશ પાસેથી 4.50 લાખ, આશીફ પાસેથી 6 લાખ અને પટેલભાઇ પાસેથી 3 લાખ લીધા હોવાની ચીઠી પોલીસને હાથ લાગતા પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.
