GSEB SSC (Class 10th) Topper 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ગુરુવારે ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. આ વર્ષે, રાજકોટના એક સામાન્ય પરિસ્થિતિના વિદ્યાર્થી સમીર ગોહિલે 99.99 પર્સેન્ટાઇલ રેન્ક (PR) મેળવીને સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જે શહેર માટે ગૌરવની વાત છે.
સમીર ગોહિલે કુલ 600માંથી 593 ગુણ મેળવ્યા છે. તેણે વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી અને સંસ્કૃત જેવા વિષયોમાં 100માંથી 100 ગુણ મેળવીને અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે, જ્યારે ગણિતમાં તેણે 99 ગુણ મેળવ્યા છે.
સમીરની આ ભવ્ય સફળતા પાછળ તેની સખત મહેનત અને તેના માતા-પિતાનો સહયોગ રહેલો છે. સમીરના પિતા, જીતેન્દ્રભાઈ, ફર્નિચર અને કલર કામકાજ સાથે સંકળાયેલા છે. સમીરે જણાવ્યું કે તેના માતા-પિતાનું સપનું હતું કે તે બોર્ડની પરીક્ષામાં પ્રથમ આવે અને આજે તેણે તેમનું આ સ્વપ્ન સાકાર કર્યું છે.
પોતાના ભવિષ્યના લક્ષ્યો વિશે વાત કરતાં સમીરે જણાવ્યું કે, તે આગળ કોમ્પ્યુટર એન્જિનિયર બનવા માંગે છે અને તેનું લક્ષ્ય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT), બોમ્બેમાં પ્રવેશ મેળવવાનું છે. સમીરની આ પ્રેરણાદાયી કહાની અન્ય વિદ્યાર્થીઓ માટે પણ એક ઉદાહરણરૂપ છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય, જો ધગશ અને મહેનત હોય તો સફળતા ચોક્કસ મળે છે. સમગ્ર રાજકોટ શહેરમાં સમીરની આ સિદ્ધિની ભારે પ્રશંસા થઈ રહી છે અને તેને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.