દિવાળી વેકેશન પૂરું થતાં જ મોંઘવારીનો મોટો ઝટકો! સિંગતેલના ડબ્બાએ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો નવો ભાવ

ગુજરાતમાં સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. ડબ્બાનો ભાવ રૂ.3110એ પહોંચ્યો છે. મગફળીનું ઉત્પાદન અને યાર્ડમાં આવક વધવા છતાં સિંગતેલ મોંઘું કેમ થઈ રહ્યું છે? જાણો કપાસિયા અને પામતેલના નવા ભાવ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 15 Nov 2026 09:07 AM (IST)Updated: Sun, 15 Nov 2026 09:07 AM (IST)
groundnut-oil-price-hits-record-3110-amidst-high-production

Groundnut Oil Price: નૂતન વિક્રમ સંવત 2082ના પ્રારંભ સાથે જ સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક કડવો ડોઝ મળ્યો છે. દૂધના ભાવ વધારા બાદ હવે ખાદ્યતેલ બજારમાં પણ ભાવનો મોટો ભડકો થયો છે. દિવાળીના 6 દિવસના વેકેશન બાદ આજે ખુલતી બજારે જ સિંગતેલના ડબ્બાના ભાવે રુ.3100ની ઐતિહાસિક સપાટી વટાવીને રુ.3110ની નવી વિક્રમી ઊંચાઈ હાંસલ કરી છે.

કપાસિયા-પામતેલ સસ્તા, સિંગતેલ મોંઘુ

તેલ બજારમાં મુહૂર્તના સોદામાં એક અજીબ વિરોધાભાસ જોવા મળ્યો છે. જ્યાં એક તરફ કપાસિયા અને પામ ઓઈલના ભાવોમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે સિંગતેલના ભાવોમાં તેજી યથાવત્ત રહી છે. કપાસિયા તેલના ભાવમાં રુ. 70નો મોટો ઘટાડો નોઁધાયો છે તેની સાથે સાથે પામ ઓઈલમાં પણ રુ.30નો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે સિંગતેલના ભાવમાં રુ. 20નો વધારો કરીને રુ. 3110ની ઓલટાઈમ હાઇ સપાટીએ પહોંચી ગયું છે

ભાવ ઘટવાના તમામ સંજોગો છતાં તેજી યથાવત્ત

બજારના નિષ્ણાંતો અને ગ્રાહકો માટે સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, હાલ બજારમાં એવા ચાર પરિબળો યથાવત્ત છે. જેના લીધે સિંગતેલના ભાવ ઘટવાને બદલે નિરંકુશપણે વધી રહ્યા છે. જેમાં મગફળીનું પર્યાપ્ત માત્રામાં ઉત્પાદન, માંગ સ્થિર, સાઈડ તેલોમાં ઘટાડો, યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક નોંધનીય છે.

5 વર્ષમાં મગફળીનું ઉત્પાદન 30% વધ્યું

આંકડાકીય માહિતી પર નજર કરીએ તો, ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન છેલ્લા પાંચ વર્ષમાં 45 લાખ ટનથી વધીને ગત વર્ષે 62 લાખ ટનના રેકોર્ડબ્રેક સ્તરે પહોંચ્યું હતું. ચાલુ વર્ષે પણ 50 લાખ ટનથી વધુ ઉત્પાદનનો અંદાજ છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં પાંચ વર્ષમાં મગફળીના પાકમાં 30 ટકાનો નોંધપાત્ર વધારો થયો હોવા છતાં, સિંગતેલના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.